Saturday, September 30, 2006

સ્વપ્નના પૂરા થવાની શરૂઆત




ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક "કવિતા"માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે... આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે... આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.

Wednesday, September 27, 2006

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું

(An apple a day...                      ...Chennai, September-04)

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રુસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દિવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં...બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

ડૉ. વિવેક મનહર ટેલર

સરાણ=ધાર કાઢવાનું યંત્ર.

Saturday, September 23, 2006

ક્યારેક આ રીતે પણ પ્રસિદ્ધિ મળી જાય છે...

(આખરી પાનાંનો અહેવાલ... ...સંદેશ:18-09-2006)

ક્યારેક આ રીતે પણ અખબારની અડફેટે ચડી જવાય છે. પૂર પછી સુરતમાં કયો રોગચાળો ફેલાયો એ કદાચ ખુરશીને જ સર્વસ્વ સમજતા સત્તાધીશો કદી શોધાવા નહીં દે, પણ ઘણા બધા દર્દીઓ અકારણ આકસ્મિક મૃત્યુને ભેટ્યા છે એ પણ નકારી ન શકાય એવી હકીકત છે. સર્જનને ત્યાં દાખલ થયેલા એક દર્દીની સારવારમાં વચ્ચેથી જોડાયા પછી એ દર્દીની હાલત કથળતાં બીજી હૉસ્પિટલમાં ખસેડતીવેળાએ સારવારનો સઘળો બોજ મારા ખભા પર મૂકાઈ ગયો અને શહેરના અલગ-અલગ ક્ષેત્રના નામાંકિત તબીબોની નિગરાની હોવા છતાં ફક્ત 32 વર્ષની છોકરીએ અજાણ્યા તાવના કારણે DIC (Disseminated Intravascular Coagulation) થઈ જવાથી માત્ર ચોવીસ કલાકમાં જ દેહ છોડ્યો... કારણ શોધવાની તો કોઈને તમા નથી, પણ અકારણ બધા જ સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધિ મળી ગઈ...

ઘણા વર્ષો પહેલાં પ્લેગ ફાટી નીકળ્યો હતો એ વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના પ્રતિનિધિએ સીવીલ હૉસ્પિટલમાં રસ્તામાં આંતરી લીધો હતો ત્યારે પણ આવી જ રીતે ટાઈમ્સના પહેલા પાનાં પર ચમકવાનો મોકો મળ્યો હતો એ વાત યાદ આવી ગઈ...

(Please click twice on the photograph to see enlarged view)

Wednesday, September 20, 2006

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !

(પાયકારા ધોધ...                સપ્ટેમ્બર-05)

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !

યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !

દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !


ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, September 16, 2006

નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ

(ગડીસર તળાવ... ... જેસલમેર-2004)

ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ,
તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ.

અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, એ નીકળ્યાં સૌ વિભીષણ સમ.

ગણી જેને નદી મેં મિત્રતાની, એ હતું મૃગજળ,
હતું બાકી, સતત છળતું રહ્યું થઈ બાષ્પ પણ શબનમ.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ.

ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, September 13, 2006

સડક

(ઈતિહાસના ગર્ભગૃહમાં લઈ જતો રસ્તો... ...ભીમબેટકા, નવે-05)


                               હાશ!
                               હવે ગાડી ચોથા ગિયરમાં ચલાવી શકાશે...
                               આવનારી પેઢી માટે
                               પેટ્રોલ પણ બચાવી શકાશે
                               અને
                               ઓછા ધુમાડાના કારણે
                               પર્યાવરણને પણ ફાયદો થશે!
                               સરસ સડક બની ગઈ છે,
                               કાલે જ
                               કોર્પોરેશને
                               મસમોટું ઝાડ કાપી નાંખ્યું હતું
                               તે જગ્યા પર!


                               ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, September 09, 2006

ઝરણાં જડી આવે (બે કાફિયાની ગઝલ)

(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન... ...સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)


પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.

તું મોટો છે - શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે ?
...કે જ્યાં એક લાશ પણ હાથોમાં લઈ તરણાં તરી આવે...

અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
એ જાણું છું છતાં ઈચ્છું તું ચાંદરણાં લઈ આવે.

નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછાં,
આ શું કે આદમી કો' આદમીવરણાં નહીં આવે ?

જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.

આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, September 06, 2006

એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું

(અક્સ...વ્હેલી પરોઢનું વિસ્મય                      મે'2005)

એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું,
રાતમાંથી જાતને હડસેલું છું.

શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
ધીમે ધીમે એથી એને બાળું છું.

જે સમય તેં આપ્યો, કાંડે બાંધીને
કેન્દ્ર એક જ રાખી કાયમ ઘૂમું છું.

તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.

શ્વાસના હાથોમાં છે શબ્દોનો હાર,
જો, હવે કોને નગરમાં પરણું છું ?

ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, September 02, 2006

શબ્દ

(ઈશ્વરનું સરનામું.....                       2003)

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો' અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.


ડો. વિવેક મનહર ટેલર