Saturday, September 09, 2006

ઝરણાં જડી આવે (બે કાફિયાની ગઝલ)

(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન... ...સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)


પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.

તું મોટો છે - શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે ?
...કે જ્યાં એક લાશ પણ હાથોમાં લઈ તરણાં તરી આવે...

અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
એ જાણું છું છતાં ઈચ્છું તું ચાંદરણાં લઈ આવે.

નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછાં,
આ શું કે આદમી કો' આદમીવરણાં નહીં આવે ?

જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.

આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.

ડૉ.વિવેક મનહર ટેલર

4 Comments:

At 9/09/2006 10:28:00 AM, Anonymous Anonymous said...

સુંદર રચના....

કૈંક લખું તું તરણું પાથર,
મસ્ત પવન પાથરણું પાથર.

 
At 9/10/2006 07:52:00 AM, Anonymous Anonymous said...

અમને તારવા તું ખુદ અહીં કદી આવે ન આવે,
તારા નામે ખુદ તરનારા અહીં અનેકો મળી આવે!

 
At 9/15/2006 10:46:00 PM, Blogger Jayshree said...

વાહ વિવેકભાઇ...

જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

સરસ...!! મજા આવી હોં...!!

 
At 9/20/2006 11:50:00 AM, Anonymous Anonymous said...

Je chodi ne jata rahya che tene yaad kari aa rachna rachi hasey....

nice writing...

 

Post a Comment

<< Home