Saturday, September 16, 2006

નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ

(ગડીસર તળાવ... ... જેસલમેર-2004)

ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ,
તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ.

અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, એ નીકળ્યાં સૌ વિભીષણ સમ.

ગણી જેને નદી મેં મિત્રતાની, એ હતું મૃગજળ,
હતું બાકી, સતત છળતું રહ્યું થઈ બાષ્પ પણ શબનમ.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ.

ડૉ. વિવેક મનહર ટેલર

14 Comments:

At 9/16/2006 01:20:00 PM, Blogger manvant said...

કોરાં પત્તાં....કોરી કોલમ...!
સુખી એ હોત છે,રાખે છે જે દિલમાં અપેક્ષા કમ....

નડી તમને એ વાતો જે ત્મે રાખી હતી મોઘમ...
આપને કાંઈ ના થયુ ?

At 9/16/2006 04:31:00 PM, Anonymous ધવલ said...

અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !

- સરસ વાત !

At 9/17/2006 01:35:00 AM, Anonymous Anonymous said...

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

મિત્ર વિવેક,

આ કદાચ સનાતન સત્ય હોઇ શકે પણ મારી સાથે ક્યારેય લાગુ નહી પડેલું આ સત્ય છે. કદાચ સંત થતા નહીં આવડ્યું હોય મને....

મીના

At 9/17/2006 05:42:00 AM, Anonymous Chetan Framewala said...

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !
...........................
બહુ જ સુંદર ગઝલ વિવેકભાઈ!

બસ અપેક્ષા એટલી,રાખી અમે,
ફૂલોની ફોરમ સદા ચાખી અમે.
સત્ય સમજાતાં- ભલે છોડ્યું બધું,
જીંદગી,ચેતન- કુવે નાખી અમે

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..

At 9/17/2006 12:06:00 PM, Blogger Jayshree said...

વાહ વિવેકભાઇ... ખરેખર.. Too Good..!! બધા જ શેર ગમી ગયા..

At 9/17/2006 10:23:00 PM, Anonymous અમિત પિસાવાડિયા said...

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

વાહ !

At 9/18/2006 06:12:00 AM, Blogger Suresh said...

ખરેખર વિચાર કરતા મૂકી દે તેવી ગઝલ છે.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

આ કડીનું રસ દર્શન કરાવીશ ?

At 9/18/2006 11:07:00 AM, Anonymous ઊર્મિસાગર said...

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

ખૂબ જ ઊંડી વાત કરી છે વિવિકભાઇ!
જીવનમાંથી જનાર સ્વજન માત્ર ખાલી હાથે નથી ગયા પણ અંદરના 'કવિ'ને પણ લઇ ગયા... ?

At 9/19/2006 11:33:00 PM, Blogger radhika said...

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

- સરસ વાત ! too good

At 9/20/2006 11:40:00 AM, Anonymous sana said...

Very touchy writings....

Your writings always touches the heart...Really good...

At 9/20/2006 11:58:00 PM, Blogger વિવેક said...

પ્રિય સુરેશભાઈ.

પોતાની કવિતાનું રસ-દર્શન કરાવવું કદાચિત સૌથી અઘરૂં કામ છે.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

-મારે આ શેર વિશે ટૂંકાણમાં કંઈ કહેવું હોય તો આમ કહી શકું: પ્રિયજન કદાચ જીવનમાંથી કશું લીધા વિના જ કવચિત ચાલ્યું જાય છે પણ જ્યારે સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો જ જાણ થાય કે હકીકતમાં તો હવે જીવનમાં કંઈ જ રહ્યું નથી... જીવનનું છાપું જ્યારે પ્રિય વ્યક્તિનો ખાલીપો અનુભવે છે ત્યારે માંહ્ય કાંઈ જ રહેતું નથી. જીવનમાં માત્ર છાપાના પાનાંની એકવિધતા જ નથી હોતી, વિવિધરંગી કોલમોની નવીનતા પણ હોય છે... કોઈ ચાલ્યું જાય ત્યારે જીવનનો માત્ર રસ જ નહીં, નીરસતા પણ જાને વહી નીકળે છે... રહે છે માત્ર કોરું છાપું!

At 9/21/2006 04:57:00 AM, Blogger Dr. Pankaj Gandhi said...

Dear friend,
Last two lines are very much touchy, it has realized me the importance of a family member who past away, I recalled a lot about my loving gandpa, who had nurtured us in such a way that, today, we r seeing the fruits of it. Thanx for development of such beautiful lines
Pankaj Gandhi

At 9/22/2006 02:02:00 AM, Anonymous Jaydeep Tatmia said...

વાહ વિવેકભાઈ... મારાં અન્ય એક મિત્ર, જે પણ વ્યવસાયે તબીબ છે અને એમને પણ સાહિત્યનો એટલો જ શોખ છે, એ યાદ આવી ગયા. ડૉ. મહેશ નાયક હાલ ડી.વાય.એસ.પી. નવસારી છે. ઉત્તમ ફોટોગ્રાફ્સ સાથે ઉત્તમ રચનાઓ.
--જયદીપ ટાટમીયા, શ્રીનગર.

At 9/22/2006 06:34:00 PM, Anonymous Bhavesh Jhaveri said...

Vivekbhai,

Indeed another gem from you. Indeed soul stirring, in today's materialistic world when people are running madly this really is a soothing one. People should realise this early and start looking to help each other & acknowldege the godliness in one another. We all are sons of one great soul. Keep it up. Warm Regards

Who in this world is going to keep with him all the material
When the world itself is so unreal
So keep the love & share the zeal
Life would be a worthwhile deal

Post a Comment

<< Home