Wednesday, September 20, 2006

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !

(પાયકારા ધોધ...                સપ્ટેમ્બર-05)

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !

યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !

દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !


ડૉ.વિવેક મનહર ટેલર

11 Comments:

At 9/20/2006 10:59:00 AM, Anonymous Anonymous said...

Very well said...
"Bitter Truths Of Life"

 
At 9/20/2006 11:54:00 AM, Anonymous Anonymous said...

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

Nicely said !

D.

 
At 9/20/2006 06:50:00 PM, Anonymous Anonymous said...

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

Liked this sher's very much....
Nice gazal!

 
At 9/20/2006 08:45:00 PM, Anonymous Anonymous said...

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

મિત્ર વિવેક,

બહુ જ સરસ. કહું છુ તો લાગે છે કે કંઇ કહ્યુ જ નથી મેં.

મીના

 
At 9/21/2006 09:53:00 AM, Anonymous Anonymous said...

વિવેક્ભાઈ,
સુંદર રચના,
થોડી પંક્તિઓ રચાઈ તે પ્રસ્તુત છે,
પક્તિ
નંબર
૫) મૌનનાં યારો હવે પડઘાં પડે છે,
ને મિત્રોનાં કીધાં સૌ, મુજને નડે છે!

૧) પસ્તીનાં છાપા શા, છે સંબંધ સગળા,
વીતતી હર શ્રણ થકી, એ ઓગળે છે!

૨) પામવું હો જો કશું, માથું નમાવો!
પ્રેમથી યાચો સદા- પત્થર ફળે છે!

૩) "સાત પગલાં"; દશ દિશે ભટકે હવે,
તે છતાં મુજ દામ્પત્ય ઝળહળે છે!

૪) ચામડી મનાસૂર થૈ છે, યારો મારી,
ક્યાં નિરાશા-આશા, કો' મુજને કળે છે!

૬) યાદ એની દિલને બાળે, જે શ્રણે,
સ્વિચ થાતી 'ઓન' ને શબ્દો સરે છે!

૭) સૌ નિયમ બાજૂએ મૂકી આવ,'ચેતન'!
દિલ હજીયે તારા માટે ટળવળે છે!.......

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા....

 
At 9/21/2006 11:06:00 AM, Blogger Jayshree said...

Too Good....
Excellent...

Every Sher is just fantastic..!!

 
At 9/23/2006 01:21:00 AM, Anonymous Anonymous said...

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !

વાહ , વિવેકભાઇ.


હવે નવા સંબંધો બાંધવા નથી મારે
તૂટેલા ધાગાઓ સાંધવા નથી મારે. સુ.દ.

 
At 9/23/2006 05:29:00 AM, Anonymous Anonymous said...

અમારા અચ્છાંદસ મનોપટને ઝંઝોડી નાખતુ આ ઘણુ જ સુંદર કાવ્ય છે. આવી સુંદર અભિવ્યક્તિ સમયની કસોટી પર ચઢેલ અને સિધ્ધહસ્ત કવિ ડો ચીનુ મોદી કહેતા હતા કે ખુલ્લે હાથે સાયકલ તે જ ચલાવી શકે જે સાયકલ ચલાવવામાં નિષ્ણાત હોય બરોબર તેજ વાત ડો વિવેકે કહી
" પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !"

વળી બીજી સરસ વાત કહી કવિએ કે સુખી દાંપત્ય જો જોઇતુ હોય તો સારો સાથી બનવુ પડે સારો સાથી શોધવાનો નથી. જે છે તેમને તેમ જ સ્વિકારી લો તો જ સહજીવન સુંદર બનતુ હોય છે.સપ્તપદીના ફેરા આને જ તો કહેવાય છે.
"યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !"

કવિ જ્યારે કવિતા લખતો હોય છે તે લેખીનિ પેલા ફીલ્મીકરણ પામેલ "નવરંગ" ના કવિરાજ જ્યારે જમના તુ હી હૈ મેરી મોહીની કહે છે ત્યારે જ સર્જનની માનસીક હાશ મળે છે તે વાત કહીને ડો. વિવેકે મન ને પ્રસન્નતાથી ભરી દીધુ.

"થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

ઘણા બધા સુંદર સત્યો એક સાથે આપ્યા વિવેકભાઇ આભાર.
તમારી આ કૃતિ આપની પરવાનગી સાથે www.gujaratisahityasarita.wordpress.com પર મુકુ છુ. આવુ ઉત્તમ સર્જન કરતા રહો તેવી વિનંતી સાથે..

 
At 9/23/2006 12:44:00 PM, Anonymous Anonymous said...

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

Excellent!

 
At 9/23/2006 02:01:00 PM, Anonymous Anonymous said...

Very well said.
Deepak Majmudar MD
USA

 
At 9/25/2006 07:35:00 PM, Anonymous Anonymous said...

કરી છે પડઘા સાથે મિત્રતા....
ખૂબ સરસ.અભિનંદન વિવેકભાઇ.

 

Post a Comment

<< Home