Saturday, September 02, 2006

શબ્દ

(ઈશ્વરનું સરનામું.....                       2003)

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો' અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.


ડો. વિવેક મનહર ટેલર

6 Comments:

At 9/03/2006 12:44:00 AM, Anonymous Anonymous said...

mitr Vivek,
................
tara shabd ne vaanchva mathe chhe maru maun..
shabd aagad..aagad ne paachhad padchhayo maun..

Meena

 
At 9/03/2006 06:47:00 AM, Blogger Unknown said...

"Haad-Chaam" na deh thi alaga thai;
Shabd pan badle chhe sarnamu have...

 
At 9/04/2006 05:35:00 AM, Anonymous Anonymous said...

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
-વિવેક ટેલર

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર .......................


શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?
-વિવેક ટેલર .......................

પ્રિય વિવેકભાઈ,
જે સતાવે છે તે, ના, શબ્દો નથી
આગ છે દિલની,જે આવે બ્હાર છે.
સુંદર ગઝલ
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 9/05/2006 11:43:00 AM, Anonymous Anonymous said...

સોંસરવા ગયા છે જે તમારા શબ્દો મારી અંદર,
ઉચ્છવાસો સંગ નીકળી જવાનો ડર સતાવે છે હવે.

સુંદર રચના!!

ઊર્મિસાગર
www.urmi.wordpress.com
www.sarjansahiyaaru.wordpress.com

 
At 9/06/2006 01:53:00 AM, Anonymous Anonymous said...

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

સુંદર ...

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું ! ...રાજેન્દ્ર શુક્લ.

અમિત.

 
At 9/06/2006 11:48:00 AM, Anonymous Anonymous said...

શબ્દ કહ્યામા રહ્ય વગર આવા ઉમ્દા હોઇ તો જ્યરે કહ્યામા આવસે ત્યરે કેવી કયામત ઘઝલો રચસે....

 

Post a Comment

<< Home