Saturday, November 18, 2006

અગર...

(આજનું અજવાળું... સપ્ટેમ્બર, 2006)


મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર...

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર...

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.


ડૉ.વિવેક મનહર ટેલર

11 Comments:

At 11/18/2006 07:44:00 AM, Blogger Jayshree said...

વાહ વિવેકભાઇ.. સુંદર શબ્દો સાથે એકદમ સરળ વાત... મજા આવી ગઇ.. બધા જ શેર ગમી ગયા...

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરસ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર...

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર...

આ શબ્દોમાં તો તમે કમાલ જ કરી... Just too good..!!

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

 
At 11/18/2006 10:30:00 AM, Anonymous Anonymous said...

જયશ્રીની વાત એકદમ સાચી છે...
બધા જ શેરો ખૂબ સરળ અને ગમી જાય એવા છે!

પહેલાં થયું, એક-બે ગમતા શેર અહીં પેસ્ટ કરું... પણ પછી પસંદગી કરવા ગઇ, તો લાગ્યું કે આ તો આખી ગઝલ જ ફરી પેસ્ટ થઇ જશે!!! :-)

અભિનંદન મિત્ર...

 
At 11/18/2006 05:04:00 PM, Anonymous Anonymous said...

ચાલું છું લાશ શબ્દની લઈ શ્વાસના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

શબ્દની લાશ ન સમજાઇ. જો અશબ્દની પ્રતીતિ તરફ અંગુલીનિર્દેશ હોય તો તેને ઉતારવાનું કેમ? અશબ્દના જગતમાંથી જ અંતરવાણી પ્રગટે અને તેનો તો કોઇ બોજો હોય જ નહીં .

 
At 11/19/2006 06:43:00 AM, Anonymous Anonymous said...

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

વાહ !
બહુ જ સરસ , વિવેકભાઇ.

 
At 11/20/2006 02:44:00 AM, Anonymous Anonymous said...

મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

વિવેક્ભાઈ,
સરસ ગઝલ .....

સામાન્ય માનવી માટે આ ગઝલ યોગ્ય લાગે છે,
પણ તમારા જેવા માનવી કે જે પોતાની જાતને કોરાણે મૂકી માનવજાત ની સેવા ના મંતરથી મંત્રાયલા હો, તેમને ,પોતાને પોતાની જાત થી બહાર કાઢવાની કે ખુદને સુધારવાની જરૂરત દેખાતી નથી...
છતાં અમારા સૌનાં દિલ પર દસ્તક દઈ હ્રદયમાં 'રામ ' જગાડવા બદલ આભાર.....

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 11/20/2006 05:44:00 AM, Blogger વિવેક said...

પ્રિય સુરેશભાઈ,

આપની વાત સાચી છે. સમય પર પોસ્ટ કરવાની ઉતાવળમાં મેં બે જગ્યાએ ટાઈપ કરતાં કરતાં કાબૂ ગુમાવ્યો, એમાની એક ભૂલ આપે યોગ્ય રીતે પકડી પાડી છે..


ભૂલવાનો આ વિચાર તો કેવો સરસ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર...

ચાલું છું લાશ શબ્દની લઈ શ્વાસના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

- આ બન્ને શેરમાં જે ભૂલ રહી ગઈ છે એ મૂળ કૃતિમાં સુધારી લઉં છું...

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર...

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

 
At 11/20/2006 10:00:00 PM, Blogger Unknown said...

અને મને તો "આજ નું અજવાળુ" ય ખુબ જ પસંદ પડ્યુ.

અને હા " શ્વાસની લાશ" તો આજે જ સાંભળી!
મઝા પડી!

 
At 11/21/2006 03:34:00 AM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઈ,
એક પ્રશ્ન...
વિપુલ પ્રમાણમાં અને છતાંયે આટલું સુંદર તમે કઈ રીતે લખી શકો છો?

--જયદીપ.

 
At 11/21/2006 05:50:00 AM, Blogger પ્રણવ ત્રિવેદી said...

વિવેકભાઇ,
ઇશ્વર તમારા શબ્દશઁધાનને શતાયુ બનાવે....છપાયેલો કાવ્યસઁગ્રહ તો ઉપ્લબ્ધ છે ને?
-પ્રણવ

 
At 11/21/2006 06:05:00 AM, Blogger વિવેક said...

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ...


-પ્રિય જયદીપભાઈ... અઠવાડિયામાં બે વાર મારી કૃતિ પૉસ્ટ જરૂર કરું છું, પણ એટલી ત્વરાથી નથી ઘા થતા, નથી શબ્દો વહેતા... થોડી કૃતિઓ અગાઉ લખેલી છે અને થોડી બસ, લખાતી રહે છે... આપ સૌનો સ્નેહ સતત લખતા રહેવા માટે મજબૂર કરતો રહે છે...


-પ્રિય પ્રણવભાઈ... ગઝલસંગ્રહને પ્રકાશિત થવામાં હજી ઘણી વાર છે... શુભેચ્છા માટે આભાર...

 
At 11/21/2006 10:25:00 AM, Blogger kakasab said...

વિવેકભાઇ...
ખુબ ખુબ આભાર તમારો, ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ પર ધબકતુ કરવા માટે આપશ્રી તથા સુરેશભાઇ અને ધવલભાઇ નો હું કાયમ ઋણી રહિશ
તમે જે યોગદાન આપો છો તે ખરેખર દાદને લાયક છે..

આભાર સહ્

 

Post a Comment

<< Home