Saturday, August 26, 2006

આઈ લવ યુ, પપ્પા !

(જન્મ : ૨૯-૦૩-૧૯૪૨, મૃત્યુ : ૨૩-૦૮-૨૦૦૬)


(ગુજરાતમિત્ર- 27/08/2006)

પ્રિય પપ્પા,

તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ... મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા... એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ... એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો...

મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી...

...શૂન્ય ધબકારા...શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી... સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને...

ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો.... થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ... પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!

મનહર ટેલર.... આખી જિંદગી સાચા અર્થમાં કોઈનું ય બુરૂ ન ઈચ્છ્યું હોય એવા માણસો હવે મળે જ ક્યાં છે આ અવનિ પર ? અજાતશત્રુ... નિઃસ્પૃહી... સત્યવક્તા.... નીડર... સાચા સમાજસેવક... મિત્રોના મિત્ર અને શત્રુઓના પરમમિત્ર... જોડણીકોશના પાનાં પર જોવા મળતા આ શબ્દોને જીવનાર હવે ક્યાં જડશે ? તમારા સાથી-કર્મચારીએ કાલે જે વાત કહી એ હજી આ મનની દિવાલોમાં પડઘાઈ રહી છે – ફેક્ટરીમાં એમણે એટલા બધા માણસોને એટલી બધી સહાય કરી છે કે એની ગણતરી પણ શક્ય નથી. ‘મને ખાવા પૂરતું મળે છે ને’ કહીને ગાંઠનું ગોપીચંદન કરનારને હવે એ લોકો ક્યાં શોધવા જશે ? ચક્ષુદાન અને તબીબ-વિદ્યાર્થીઓને કાપવા-ચીરવા માટે દેહદાન – 1987ની સાલે આટલું વિચારનાર માણસ કેટલા જોયા હશે? અને મૃત્યુ પછી તેર દિવસો સુધી ચાલનાર તમામ રિવાજો સંપૂર્ણ બંધ... તમે આ જમાનાથી આગળ હતા એટલે જ શું આ જમાનામાં વધુ ન ટક્યા?

અગિયાર વર્ષોથી પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાઈને તમે થાક્યા હતા એની ના નહીં... કંઈક અંશે અમે પણ તમારી બિમારીથી થાક્યા હતા એની ય ના નહીં... પણ આમ... આ રીતે... સાવ જ અચાનક...? એ બે મિનિટનો બોજ આ ખભા શી રીતે જીરવી શક્શે એ પણ ન વિચાર્યું ? એક અફસોસ સદા રહી જશે કે તમારી બિમારી અને તમારા જેવા મારા દર્દીઓની દુઃખભરી સ્થિતિ ઉપર લખેલી મારી ‘પાર્કિન્સનના અંતિમ તબક્કાના દર્દીની ગઝલ’ તમને વંચાવવાની કદી હિંમત કરી શક્યો નહીં. કોણજાણે શાથી આ હાથમાં એ તાકાત જ ન આવી કે એક પ્રિન્ટઆઉટ તમારા હાથમાં આપી શકે...

...એક અફસોસ બીજો પણ રહી જશે, પપ્પા ! વર્ષોથી જે આંખોના રણે મૃગજળ પણ જોયું નથી એ આંખો દુનિયાની નજરોથી દૂર-દૂર, તમારી પુત્રીથી ય વધુ એવી પુત્રવધૂની આગોશમાં રાત્રે એક વાગ્યે જે મૂશળધાર સ્ત્રવી છે અને તમારી સાથે ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે કરતા બે હોઠમાંથી વારંવાર સરેલા આ શબ્દો – જે તમારે જીવતેજીવત જો તમે સાંભળ્યા હોત તો કદાચ મૃત્યુની ગોદમાં આમ દોડીને ના સર્યાં હોત – “આઈ લવ યુ, પપ્પા !”

16 Comments:

At 8/26/2006 01:37:00 PM, Anonymous Anonymous said...

મા બાપ કદી મરતા નથી
તે સતાનોનાં શ્વસોચ્છવાસમાં
લાગણી રુપે હરદમ જીવતા હોય છે.

અને તેથીજ દરેક બેસણામાં
સૌ સંતાનોની આંખ રડતી હોય છે.

Vijay Shah
Houston Texas

 
At 8/26/2006 06:48:00 PM, Anonymous Anonymous said...

Mitr Vivek,
...................
Meena

 
At 8/26/2006 07:06:00 PM, Blogger SUVAAS said...

જો તમે સુરતમાં રહેતા છો તો આ ક્ષણે સુરતના પૂર વિશેની તમારા અનુભવોની અમે રાહ જો ઇરહયા છીએ, પૂર કેવી રીતે આવ્‍યું, કારણો, ઉપાયો, પછી મદદ , સહાય અને ....
તમારા અનુભવો.....

 
At 8/26/2006 07:24:00 PM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઇ, તમારા શબ્દો વાંચીને મારી આંખોમાં પણ કદી સરળતાથી ન આવતાં એવા અશ્રુઓ આવી ગયા... તમારા પપ્પાને પણ તમારી આ તિવ્ર વેદના અને અપાર લાગણીની જાણ ન હોય એવું તો કદી બને જ નહિં!! પરમાત્મા એમનાં આત્માને પરમ શાંતિ અને તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રભુ-પ્રાર્થના!

ૐ શાંતિ!!

 
At 8/26/2006 08:01:00 PM, Blogger Think Life said...

વિવેક ભાઈ! જીવનની કેટલીક વાસ્તવિકતાઓ સ્વીકારવી અને જીરવવી આકરી હોય છે. મૃત્યુ એક આવી જ વાસ્તવિકતા છે; વળી આ તો જનકનું મૃત્યુ; અનેરી શૈલીથી જિંદગી જીવી જાણનાર પ્રેમાળ પિતાનું મૃત્યુ!!

આપણા માટે આશ્વાસન એ કે આપણને સંસ્કારનો, જીવનદ્રષ્ટિનો અમોલો વારસો આપતા ગયા! અન્યને પંથ ચીંધી જનાર વેંત ઊંચેરા દિવ્ય અસ્તિત્વનો નિ:સહાય બની નજરથી લોપ થતો જોવો તે જીવનની કરુણતા જ ને! છતાં તમે- પરિવારે તેને જે સાહજિકતાથી સ્વીકારી, તેમાં તમે જીવનને જ નહીં, મૃત્યુને પણ નવી દ્રષ્ટિથી મૂલવ્યું છે. તમે અખંડ, અવિનાશી અસ્તિત્વનો, પરમ ચૈતન્યનો સ્વીકાર કર્યો છે. તે થકી સદગત્ આત્માનું દિવ્યતામાં ભળવું સાર્થક થશે.

દિવંગત આત્માને પરમાત્મા પરમ શાંતિ અર્પો તે પ્રાર્થના !! ૐ શાંતિ: |
...... હરીશ દવે અમદાવાદ

 
At 8/26/2006 08:15:00 PM, Anonymous Anonymous said...

સૂક્કીભટ આ ભોમ પર
રોમેરોમ લાય બળે,
વરસે મારા આંસુ તો કંઈ
અંદર ટાઢક વળે.

 
At 8/27/2006 07:03:00 AM, Anonymous Anonymous said...

વિવેકભાઈ,
સ્વજન નું આપણને ઓચીંતા હંમેશ માટે છોડી જવાની ઘટના થી વધારે દુઃખદ કોઈ ઘટ્ના નથી હોતી.
પણ પિતા કદી મરતાં નથી એ હર-હંમેશ એના સંતાનો માં જીવંત રહે છે.
શ્રી મનહરભાઈ ના બે ચક્શુ-બે કુટુંબની રોશની બની સદાય જીવંત રહેશે.
નીદા ફાઝલી ની એક નઝમ યાદ આવે છે.

મૈં આપકી કબ્ર પર ફાતિયા પઢને નહીં આયા
ક્યોંકી મૈં જાન્તા હું તેરે મરને કી સચ્ચી ખબર જીસને ફૈલાઈ હૈ. વહ જૂઠા હૈ.........
....................
મૈં આપકી કબ્ર પર ફાતિયા પદ્ઢને નહીં આયા
ક્યોકી આપ કભી મર નહીં શકતે,
કબ્ર મેં મૈ કૈદ હું,
આપ મુઝમેં જીંદા હૈં....

પરમ કૃપાળુ પરમાત્માઆપ્ને એમના આદ્ર્શો પર ચાલ્વાની શક્તિ આપે એજ પ્રાથના....

ચેતન ફ્રેમવાલા

 
At 8/27/2006 01:01:00 PM, Anonymous Anonymous said...

Vivekbhai,

Firstly condonlences on this sudden bolt from the blue. Really reading your fathers life character & about you from Dr.Pankaj I feel you have taken yourself, your profession to newer heights. May you discover God's inner strength in you more than ever before & strive to give more to this world on this eve when God has just called your Papa for body change as soul is immortal.

 
At 8/27/2006 04:01:00 PM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઇ,

મનહરકાકા ને બહુ નજીકથી જાણવાનો લ્હાવો મને મળ્યો છે અને ખરેખર તેમના જેવી વ્યક્તિ આ જગતમાં મળવી દુર્લભ છે. ખરા અર્થમાં "સજ્જન" એવા મનહરકાકા સદા મારી સ્મ્રુતિમાં રહેશે. તેમના નામ પ્રમાણે જ તેમનો સ્વભાવ અને તેનાથી સૌ કોઈ નું મન હરી લેનારા મનહરકાકા ની ખોટ આપણે સૌ કોઈને સદા સાલસે.

શ્રિયા

 
At 8/28/2006 07:36:00 AM, Anonymous Anonymous said...

Dear Vivek Bhai

Amazing expression of feelings - it is simply flowing like a river -
Its your love for your Papa and for your Poetry - perhaps this combination can only creat such powerful expressions.
Your Papa is alive and living in each and every word you have written for him

Kirit Shah

 
At 8/29/2006 11:38:00 AM, Anonymous Anonymous said...

Your father is alive in your words that is within yourself.

ભગવાન તમારા પિતા ના આત્મા ને શાંતિ આપે.

 
At 8/30/2006 03:26:00 AM, Anonymous Anonymous said...

ઇશ્વર સદગત આત્મા ને શાંતિ અર્પે.

 
At 8/31/2006 10:37:00 AM, Blogger Unknown said...

Ahi charka jivan nu ultu phare chhe;
Ke balak na man ma pita uchhre chhe;
Ane vhal je shabdo bani nitre chhe.

Manish Chevli

 
At 9/06/2006 02:20:00 PM, Anonymous Anonymous said...

Vivekbhai
Sorry to know about your Daddy. "Bhagvan Amna Atma Ne Shanti Aape aj Prarthna"

 
At 9/25/2006 07:45:00 PM, Anonymous Anonymous said...

આ વાંચી ને આજે મારી આંખ ફરી એકવાર છલકાઇ ગઇ.મારા પપ્પાની વસમી વિદાય ને આજે 5 મહિના થયા.આજે આ વાંચ્યું ત્યારે લાગ્યું કે આ બધું તો મારા પપ્પા વિષે લખાયેલ છે.દેહદાન,ચક્ષુદાન,અને બધારીતરિવાજો બંધ!!ફકત અનાથાશ્રમ માં નાના બાળકોને આપવા સિવાય.એક પણ મિનિટની માંદગી ભોગવ્યા સિવાય,,રાત્રે બધા સાથે(મારી સાથે ફોનમાં)વાતો કરી સવારે ઉઠયા જ નહીં!!આંસુથી ધૂંધળી બનેલ આંખોથી હવે નહી લખી શકાય.

 
At 8/28/2009 03:42:00 AM, Blogger Unknown said...

મા બાપ કદી મરતા નથી
તે સતાનોનાં શ્વસોચ્છવાસમાં
લાગણી રુપે હરદમ જીવતા હોય છે.

અને તેથીજ દરેક બેસણામાં
સૌ સંતાનોની આંખ રડતી હોય છે.
Dr. Vivekbhai, Pratham vaar apni Column read kari pan Pappana Samacharthi Aghat lagyo, Prabhu Temna Atmane Shanti Arpe temaj tamo ek Doctor tarike Samaj Seva kARO. bAS ej,

Bharat D Garo, Gandhidham - Kutch -Gujrat - India

ID:- bharatdgaro@gmail.com

 

Post a Comment

<< Home