Saturday, August 05, 2006

મીઠાની ભીંત

(અવશેષ, પ્રેમનગરના...                   માંડું, નવે-05)


યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.

દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,
આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.

દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,
આને હું શું કરું, આ તો મુજ મનના મીત છે.

શબ્દો સૂઝે, ન શ્વાસ ! જો, હાલત શું મારી થઈ ?
છે ક્યાંય આવી દોસ્તોમાં વાતચીત ? છે !

સાથે ન હોય તું યદિ તો મારા માટે તો
હાર જ છે સૌ જે વિશ્વની નજરોમાં જીત છે.

સંબંધ આપણો ટકે શી રીતે બાકી તો,
નાજુક હો તો ય તાંતણો વચમાં ખચીત છે.

આ શ્વાસનું ય આવશે ને નાકું એક દિન?
નિષ્ફળ ન જાય શબ્દ કદી, સાચા મીત છે.

ડૉ. વિવેક મનહર ટેલર

ખચીત = જરૂર

11 Comments:

At 8/05/2006 07:38:00 AM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઇ,

સંબંધ આપણો ટકે શી રીતે બાકી તો,
નાજુક હો તો ય તાંતણો વચમાં ખચીત છે.

આ શબ્દો મને ખૂબ જ ગમ્યા!!

"છે ક્યાંય આવી દોસ્તોમાં વાતચીત ? છે ! "
આ કડીમાં '?' પછીના 'છે!' માં બહુ સમજ ના પડી...

'યારો' શબ્દ હિન્દી છે એની જગ્યાએ કોઇ ગુજરાતી શબ્દ મૂક્યો હોત તો વાંચવાની શરૂઆતમાં મન જરા હિન્દી-ગુજરાતીમાં અટવાઇ ન જા! માફ કરશો, તમારી રચનામાં ભૂલ કાઢવાનો ઇરાદો નથી. આતો માત્ર નિજી અભિપ્રાય છે. (મારો અનુભવ: હું ગુજરાતી રચનામાં નોન-ગુજરાતી શબ્દો જોઉં છું ત્યારે રચનાનો સાચો મર્મ સમજવા કરતાં મન જરા ચલિત થઇ બીજી જ દિશામાં દોડવા લાગે છે... is that normal??)

બાકી હંમેશની જેમ આ ગઝલ પણ સુંદર છે.

સસ્નેહ, "ઊર્મિસાગર"
www.urmi.wordpress.com

 
At 8/05/2006 10:13:00 AM, Anonymous Anonymous said...

Vivekbhai, every word is intense and potent. It is hard to select any lines for the fear of doing injustice to my choice - for I like them all.

With every Ghazal of yours the expectation rises and your next creation invariably even exceeds those expectation.

Thanks you!

 
At 8/05/2006 07:51:00 PM, Anonymous Anonymous said...

આ ગઝલમાં દોસ્તોની સારી એવી ઘુલાઈ છે. અને હું તો રહ્યો એ દોસ્તોમાંથી જ એક ! હવે મારે આ ગઝલને વખાણવી હોય તો વખાણવી પણ કઈ રીતે ? :-) :-)

મજાક જવા દઈએ... ગઝલ તો સરસ જ છે. મને યાદ છે ત્યાં સુધી, ચોથા અને છેલ્લા સિવાયના શેર તો મારા જાણીતા છે. બીજો શેર તો મારા પ્રિય શેરમાંથી એક છે.

 
At 8/06/2006 03:38:00 AM, Blogger Jayshree said...

ધવલભાઇની વાત તો સાચી. 'મિત્રતાના દિવસે'જ તમે દોસ્તોની ધુલાઇ કરી દીધી...


ખરેખર સરસ ગઝલ છે, મિત્રતાના થયેલા ભ્રમ યાદ આવી જાય..

દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,
આને હું શું કરું, આ તો મુજ મનના મીત છે.

 
At 8/06/2006 06:57:00 AM, Blogger વિવેક said...

પ્રિય ઊર્મિ,

"છે ક્યાંય આવી દોસ્તોમાં વાતચીત ? છે !"- આ પંક્તિમાં બે વાક્ય છે...પહેલું વાક્ય પ્રશ્ન છે અને બીજું વાક્ય ફક્ત એક અક્ષરનો ઉત્તર છે.

યારો શબ્દ હવે ઉર્દૂ કે હિન્દી નથી રહ્યો... એ હવે આપણી જ ભાષાનું એક અંગ છે... છંદની દ્રષ્ટિએ 'મિત્રો' કે 'દોસ્તો'-બંને પણ નભી જાત પણ ગઝલનો જે ઉઠાવ 'યારો'થી થાય છે એ બીજા શબ્દોમાં થશે એમ મને લાગ્યું નહીં....

વકીલ, અંદર, તરફ, જરૂર, બાકી, વખત, ચીજ, ગરીબ, મજૂર, બરાબર, અસલ, દાણો, બાલદી, ચીડ, ભૂંસવું, પુરાવો, પુરવાર, મિસ્ત્રી, અલમારી, બૂચ, મિજાગરો, જલેબી, હલવો - આ શબ્દો ગુજરાતી છે કે બિન-ગુજરાતી? આ તમામ શબ્દો મૂળે બિન-ગુજરાતી હતાં, હવે એ આપણા બની ગયા છે - દૂધમાં સાકર ભળે એમ..

 
At 8/06/2006 09:08:00 AM, Anonymous Anonymous said...

The ghazals has deep meaning.
On one side there is critisism on the friend who had hurt you and other side still longing for that friend?

So one needed to have friend like the writer for whom his friend is "Maan na Meet".(3rd para)

Happy Friendship Day.

 
At 8/07/2006 07:25:00 AM, Anonymous Anonymous said...

આભાર વિવેકભાઇ, તમારી વાત સાચી છે કે ગુજરાતી ભાષામાં બીજી ભાષાનાં શબ્દો એ હદે ભળી ગયા છે કે એ નોન-ગુજરાતી જેવાં લાગતાં જ નથી. ઘણીવાર કોઇ અર્થ માટે જો ગુજરાતી શબ્દ શોધવો હોય તો મારા જેવાંએ તો પહેલાં ગુજરાતી ડીક્ષનરી ખોલવી પડે છે.

પેલી કડીને ઘણીવાર વાંચી જોઇ ત્યારે મારી ટ્યુબ લાઇટ ઝળકી હતી!

 
At 8/07/2006 09:55:00 AM, Anonymous Anonymous said...

વિવેક ભાઈ,
મિત્ર ઝેર પણ આપે તો એ પણ ફક્ત આપણા ફાયદા માટેજ......
એમાંયે કોઈ દવા 'ચેતન' હશે!
ભીંત મીઠાંની. રચે એમજ ,ના તું...

યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
...................


ચેતન, હવે મુજ પીઠમાં,ક્યાંઘાવ કોઈ રે છે!
તુજ પ્રેમના આ ચાબખા, હું કેમ રે ભૂલું કે'

દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,
આને હું શું કરું, આ તો મુજ મનના મીત છે.
..............


સુંદર રચના....
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 8/09/2006 11:48:00 AM, Anonymous Anonymous said...

hiii...
how do i start my own gujju blog ??? im interested to start gujarati conversation..but i dont kno how to write in unicode .... can u give me an idea

my email is jamsab at gmail dot com

 
At 8/09/2006 11:13:00 PM, Anonymous Anonymous said...

વિવેકભાઇ ,

મિત્રતા દિવસ ની શુભકામનાઓ.
HFD.

 
At 8/12/2006 06:51:00 AM, Anonymous Anonymous said...

sorry wishing late ................................. wish u a happy friendship day................

 

Post a Comment

<< Home