Saturday, July 22, 2006

હોવાપણું – ૩

(Arise, awake & stop not......વિવેકાનંદ રોક,
કન્યાકુમારી - ફેબ્રુઆરી-2002)


હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશનાં અવકાશને માપી શકાય ?

આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

‘હું કોણ છું?’ આ પ્રશ્નમા અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

થઈ પ્રાણવાયુ શબ્દ જ્યા વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?


ડૉ. વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.

6 Comments:

At 7/22/2006 09:54:00 AM, Blogger SUVAAS said...

સુવાસ પર લિંક ‘શબ્‍દો છે શ્વાસ મારાં ‘ મુકી દીધી છે.

 
At 7/23/2006 07:37:00 AM, Anonymous Anonymous said...

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

સરસ !

 
At 7/23/2006 11:37:00 AM, Anonymous Anonymous said...

In 3rd para you have mention that one much not think "Who am I",But how is it possible to leave without our own identity?

Very nicely expressed "Howapanu" in 3 parts.

 
At 7/23/2006 11:38:00 AM, Anonymous Anonymous said...

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

hmmmm....

એમ તો આ પ્રશ્નમાં અટકયા વગર પણ જિંદગીને માણી શકાય, પરંતુ આ પ્રશ્ન પણ કદી આપણો પીછો છોડે એવો તો છે જ નહિં!!

વિવેકભાઇ, "હોવાપણું – 4" માં બધાં જવાબો મળી જશે ખરાને?! હવે તો એની રાહ જોવી જ પડશે! :-)


"ઊર્મિ સાગર"
www.urmi.wordpress.com

 
At 7/24/2006 06:40:00 AM, Anonymous Anonymous said...

Wow...

 
At 7/28/2006 06:07:00 AM, Blogger વિવેક said...

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?

પ્રિય મનવંતભાઈ,


શબ્દ અને અક્ષરની વચ્ચે રહેલો જે તફાવત આપ મને સમજાવવા માંગો છો એ હું સમજી શક્યો છું અને એ હું જાણું જ છું.

શબ્દનું આયુષ્ય શું? વાંચીને ભૂલી જવાય એટલું... ખરુંને? અને વિવેક તરીકે મારું આયુષ્ય કેટલું? બળીને ખાખ થાઉં એટલુ?

અહીં હોવાપણાંની વાત છે... અહીં જે વાત હું કહેવા માંગું છું એ શબ્દ કે અક્ષરની નથી... મારી કવિતાની છે... મારા દેહનું આયુષ્ય ગમે એટલી નશ્વર હકીકત કેમ ન હોય, પણ હું એકવાર કવિ બન્યો, એટલે કે બીજા અર્થમાં શબ્દ બની ગયો તો અમર-નશ્વર થઈ જવાનો... મારું હોવાપણું શાશ્વત થઈ ગયું. અને એટલે મેં 'અક્ષર' શબ્દને તોડીને 'અ-ક્ષર' શબ્દના ક્ષર ન હોવાપર ભાર મૂક્યો છે.... એક વાર કવિ લોકોના હૃદયમાં રમતો થઈ ગયો એટલે એ અ-ક્ષર થઈ ગયો!

 

Post a Comment

<< Home