Wednesday, August 02, 2006

શબ્દોનું સાલિયાણું

(પુણ્યસલિલા તાપી.... જુન-2006)


શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.

રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.

શબ્દો અને તું - બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?

શ્વાસોના તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.

કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.

ડૉ. વિવેક મનહર ટેલર


ગુડાણું = છુપાવું (અહીં જમીનની અંદર દટાવાના-છુપાવાના અર્થમાં વપરાયું છે)
સાલિયાણું = વાર્ષિક વેતન

6 Comments:

At 8/03/2006 01:22:00 AM, Blogger Jayshree said...

વાહ...!!

શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.

આ ગઝલની નીચે તમારુ નામ ના લખ્યું હોય, તો પણ તમારા ચાહકો આસાનીથી ઓળખી શકે, કે આ શ્બ્દો તો તમારા જ હોય.

 
At 8/03/2006 02:03:00 AM, Blogger The Poetry Tales said...

ભલે તમારા શ્વાસોનો રાજા શબ્દોનું સાલિયાણું માંગતો હોય..
એને ખબર નથી કે અમારા વિવેકભાઈ શબ્દોના અખિલ બ્રહ્માંડનું ઐશ્વર્ય ધરાવ છે...
ફક્ત સાલિયાણું જ નહીં, એક એક ક્ષણનો કર માંગશે તોયે વિવેકભાઈ ચૂકવશે... એ ક્ષણોમાં જીવનારા કવિ છે..!!!
ધર્મેશ

 
At 8/03/2006 06:22:00 AM, Anonymous Anonymous said...

સુંદર રચના વિવેકભાઇ !!!

 
At 8/03/2006 08:18:00 AM, Anonymous Anonymous said...

.....

પ્રિય વિવેકભાઇ, તમારી રચનાને સરાહવા માટે તમારા જ શબ્દોનાં થોડાં શ્વાસો હવે તો તમારી પાસે જ ઉધાર લેવા પડશે શું?!! ...કારણકે અમે તો એકદમ કંગાળ થઇ ગયા છે !!


"ઊર્મિસાગર"
www.urmi.wordpress.com

 
At 8/03/2006 10:11:00 AM, Anonymous Anonymous said...

Jena smaran matra thi Pawan thai jawai avi "TAPI"'
Jena sabda matra thi Prabhavit thai jawai ava "TAME".

 
At 8/05/2006 07:34:00 PM, Blogger ધવલ said...

સરસ ગઝલ... છેલ્લાં બે શેર સૌથી વધુ ગમ્યા. ગુડાણું અને સાલિયાણું બન્ને શબ્દો સરસ અસર આપે છે. રાતોના કાગળોમાં... શેર પણ ગમ્યો.

તાપીનો ફોટો જોઈને એક વાર ભર વરસાદમાં હોપપુલ પર ઊભા રહેવાનો (રેઈનકોટ વગર) પ્રયોગ કરેલો એ યાદ આવી ગયું.

 

Post a Comment

<< Home