(જન્મ : ૨૯-૦૩-૧૯૪૨, મૃત્યુ : ૨૩-૦૮-૨૦૦૬)
(ગુજરાતમિત્ર- 27/08/2006)
પ્રિય પપ્પા,
તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ... મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા... એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ... એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો...
મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી...
...શૂન્ય ધબકારા...શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી... સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને...
ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો.... થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ... પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!
મનહર ટેલર.... આખી જિંદગી સાચા અર્થમાં કોઈનું ય બુરૂ ન ઈચ્છ્યું હોય એવા માણસો હવે મળે જ ક્યાં છે આ અવનિ પર ? અજાતશત્રુ... નિઃસ્પૃહી... સત્યવક્તા.... નીડર... સાચા સમાજસેવક... મિત્રોના મિત્ર અને શત્રુઓના પરમમિત્ર... જોડણીકોશના પાનાં પર જોવા મળતા આ શબ્દોને જીવનાર હવે ક્યાં જડશે ? તમારા સાથી-કર્મચારીએ કાલે જે વાત કહી એ હજી આ મનની દિવાલોમાં પડઘાઈ રહી છે – ફેક્ટરીમાં એમણે એટલા બધા માણસોને એટલી બધી સહાય કરી છે કે એની ગણતરી પણ શક્ય નથી. ‘મને ખાવા પૂરતું મળે છે ને’ કહીને ગાંઠનું ગોપીચંદન કરનારને હવે એ લોકો ક્યાં શોધવા જશે ? ચક્ષુદાન અને તબીબ-વિદ્યાર્થીઓને કાપવા-ચીરવા માટે દેહદાન – 1987ની સાલે આટલું વિચારનાર માણસ કેટલા જોયા હશે? અને મૃત્યુ પછી તેર દિવસો સુધી ચાલનાર તમામ રિવાજો સંપૂર્ણ બંધ... તમે આ જમાનાથી આગળ હતા એટલે જ શું આ જમાનામાં વધુ ન ટક્યા?
અગિયાર વર્ષોથી પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાઈને તમે થાક્યા હતા એની ના નહીં... કંઈક અંશે અમે પણ તમારી બિમારીથી થાક્યા હતા એની ય ના નહીં... પણ આમ... આ રીતે... સાવ જ અચાનક...? એ બે મિનિટનો બોજ આ ખભા શી રીતે જીરવી શક્શે એ પણ ન વિચાર્યું ? એક અફસોસ સદા રહી જશે કે તમારી બિમારી અને તમારા જેવા મારા દર્દીઓની દુઃખભરી સ્થિતિ ઉપર લખેલી મારી
‘પાર્કિન્સનના અંતિમ તબક્કાના દર્દીની ગઝલ’ તમને વંચાવવાની કદી હિંમત કરી શક્યો નહીં. કોણજાણે શાથી આ હાથમાં એ તાકાત જ ન આવી કે એક પ્રિન્ટઆઉટ તમારા હાથમાં આપી શકે...
...એક અફસોસ બીજો પણ રહી જશે, પપ્પા ! વર્ષોથી જે આંખોના રણે મૃગજળ પણ જોયું નથી એ આંખો દુનિયાની નજરોથી દૂર-દૂર, તમારી પુત્રીથી ય વધુ એવી પુત્રવધૂની આગોશમાં રાત્રે એક વાગ્યે જે મૂશળધાર સ્ત્રવી છે અને તમારી સાથે ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે કરતા બે હોઠમાંથી વારંવાર સરેલા આ શબ્દો – જે તમારે જીવતેજીવત જો તમે સાંભળ્યા હોત તો કદાચ મૃત્યુની ગોદમાં આમ દોડીને ના સર્યાં હોત – “આઈ લવ યુ, પપ્પા !”