Wednesday, June 28, 2006

ત્યક્તાની ગઝલ

(વડવાનલ.... ....દમણ-જુન-2006)


તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

છે તારા પગમાં આ દુનિયાની બેડી, હું એ સમજું છું,
તું જાણે છે ખરો કે મારે મન તો તું જ છે દુનિયા ?

લૂંટાવી દીધું મેં સર્વસ્વ મારું એ જ વિશ્વાસે
કે તું દેતો નથી કોઈને પણ વચનો કદી ઠાલા.

મેં વડવાનલ ભીતર ધરબી દઈને હોઠ સીવ્યાં છે,
કદી લેવાને મોતી આવશે તું એ જ છે આશા...

ઉદાસી મુઠ્ઠીભર, ખોબો ભરીને રાહ, બે યાદો,
હવે શું આજ છે અકબંધ, વ્હાલા ! મારી કાયામાં ?

હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જન્મી છું,
તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?

સમયના કોશેટામાં જાત મેં ધરબી દીધી મારી,
મળે રેશમ તને શબ્દોનું, મારી એ જ છે ઈચ્છા.

તું મારી યાદને શબ્દોમાં ઢાળી પામે છે કીર્તિ,
હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગરગમાં.

ડો.વિવેક મનહર ટેલર

વડવાનલ= સમુદ્રના પેટમાં ભારેલો અગ્નિ

Saturday, June 24, 2006

જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો

(પ્રેમના શહેરનો એક સૂર્યાસ્ત.... ....ખજૂરાહો, ઑક્ટોબર-2004)


બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.

તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિંદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.

જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.

જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.

લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.

કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, June 21, 2006

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?

(પાણીની અંદરનું વિશ્વ... ....માલદીવ્સ, ફેબ્રુઆરી-02)


ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ...ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, June 17, 2006

ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં

(અરુણોદય... ...કન્યાકુમારી, ફેબ્રુઆરી-2002)


હું પાડું છું એથી સાદ તને બોલાવવા ભરઉનાળામાં,
ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં.

કેસૂડાં, ગરમાળાં, ગુલમ્હોર - ભડભડ બળે છે સૌ ફૂલોથી,
જે દવ હતો મારે વગડે ભવ-ભવ, રવરવ્યો એ ઉનાળામાં

અંતે તો રોજ જ આવે છે સૂવાને ક્ષિતિજની ગોદ માં એ,
ફરતો રહે સૂરજ છો ને આખી દુનિયામાં અજવાળામાં.

સંવેદના, જડતા- પીગળ્યાં છે સૌ એક નજરનાં તાપથી, બસ!
સૂતો હતો હું તો યુગયુગથી શીતનિંદ્રામાં, હિમાળામાં.

મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?
લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?

ઊઘલી ગઈ ઈચ્છાની સૌ જાન.... (મારે તો હવે આરામ જ છે),
પીરસ્યાં છે શબ્દો જ્યારથી તેં મુજ શ્વાસ તણાં પતરાળાંમાં.

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, June 14, 2006

આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?


આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.

ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.

અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?

જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.

શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.

ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, June 10, 2006

રૂ-બ-રૂ

મારા શબ્દોની સાથોસાથ મારા ફોટોગ્રાફ્સને પણ ઉમળકાથી બિરદાવવા બદલ મારા અંગત બની ગયેલાં મિત્રોને હું શું કહું? એ ઋણને ફેડી શકે એવો કોઈ શ્વાસ કે શબ્દ નથી મારી પાસે ! પરંતુ વહેતા સમયની સાથે એક વાતની મને પ્રતીતિ થઈ છે કે દર વખતે ગઝલને અનુરૂપ ફોટોગ્રાફ તમારા સંગ્રહમાંથી શોધી શકવું શક્ય નથી હોતું. મિત્રોની ક્ષમાયાચના સાથે મારે મારી આ કમજોરીનો સ્વીકાર કરવો જ રહ્યો. હવે પછીની ગઝલોમાં ગઝલના ભાવને અનુરૂપ ફોટોગ્રાફ્સ કદાચ નહીં પણ જોવા મળે.... મેં પાડેલા અને મને ગમેલા ફોટોગ્રાફ્સ તથા મેં લખેલા અને મને ગમેલા શબ્દો ગાડીના બે પાટાની જેમ સમાંતર વહેતા રહેશે....સદા સાથે જ છતાં સદૈવ અળગાં.....!

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

(દમણના દરિયાકાંઠે... ....03/06/2006)


આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર...પણ દૂર લાગ્યો, શું કરું?

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો......(શું કરું?)

ડૉ.વિવેક મનહર ટેલર


વસ્લ= સમાગમ

Wednesday, June 07, 2006

પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય

(સાદ આંખોના....... જહાજમહેલ, માંડું... નવેમ્બર-05)


દાખલા સઘળા આ જીવનમાં કદી ખોટા ન હોય,
પણ બધા માણસને કંઈ મોઢે બધા કોઠા ન હોય.

હાથ ના મેળવ, મળે જ્યારે ટકોરા દઈને મળ,
આંખમાં ઉષ્મા બતાવે ? દિલ તું જો....પોલા ન હોય !

બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય....

સાદ આંખોના ટકોરા દે છે નજરોને, તું સુણ
જે હો હૈયે એને માટે હોઠે હાકોટા ન હોય.

ક્ષોભ શાનો ? આટલી મોટી સભામાં કોઈ નહિ,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

તું સદા મારી ભીતર પણ સાવ અળગી અળગી રહી,
જાણે કે જળની જ અંદર કોઈ પરપોટા ન હોય !

શ્વાસનો અંકુશ છે, અટકી જવાની ચીમકી છે,
શબ્દ બાકી મારી જેમ જ ઠાલા બડબોલા ન હોય !

ડૉ.વિવેક મનહર ટેલર

ઠાલા = નિરર્થક, નાહક ; બડબોલા= શેખીખોર

Friday, June 02, 2006

મુક્તક


(રસ્તો...દિલ સુધી જવાનો...! ચિત્રાંકન: ડૉ.કલ્પન પટેલ, સુરત)


      હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે આ નેણ,
                                        હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે સૌ વેણ;
      તારો આ પ્રેમ સાંધે, સંબંધ એ રીતે કે
                                        ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન કો’ રેણ.


ડૉ.વિવેક મનહર ટેલર