Saturday, June 17, 2006

ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં

(અરુણોદય... ...કન્યાકુમારી, ફેબ્રુઆરી-2002)


હું પાડું છું એથી સાદ તને બોલાવવા ભરઉનાળામાં,
ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં.

કેસૂડાં, ગરમાળાં, ગુલમ્હોર - ભડભડ બળે છે સૌ ફૂલોથી,
જે દવ હતો મારે વગડે ભવ-ભવ, રવરવ્યો એ ઉનાળામાં

અંતે તો રોજ જ આવે છે સૂવાને ક્ષિતિજની ગોદ માં એ,
ફરતો રહે સૂરજ છો ને આખી દુનિયામાં અજવાળામાં.

સંવેદના, જડતા- પીગળ્યાં છે સૌ એક નજરનાં તાપથી, બસ!
સૂતો હતો હું તો યુગયુગથી શીતનિંદ્રામાં, હિમાળામાં.

મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?
લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?

ઊઘલી ગઈ ઈચ્છાની સૌ જાન.... (મારે તો હવે આરામ જ છે),
પીરસ્યાં છે શબ્દો જ્યારથી તેં મુજ શ્વાસ તણાં પતરાળાંમાં.

ડૉ.વિવેક મનહર ટેલર

4 Comments:

At 6/17/2006 10:12:00 AM, Anonymous Anonymous said...

SARAS che aa navi rachna....
Deh na nava Akshar....

 
At 6/17/2006 04:11:00 PM, Blogger Jayshree said...

Hello Vivekbhai,

મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

Kharekhar bau maza aavi gayee..!!

 
At 6/18/2006 01:12:00 AM, Anonymous Anonymous said...

બધા રીડગુજરાતી વાંચે પણ હું વાંચવા ક્યાં જવું ? આપનો બ્લોગ મારા માટે એવો વિસામો છે જેની છાયાંમાં હું થોડી વાર બેસીને પછી હળવો થઈને પાછો કામમાં લાગી જઉં છું. અગાઉ મેં કહ્યું હતું એમ કે આ સચિત્ર ગઝલો, સાહિત્યમાં એક નવીજ ભાત પાડી રહી છે. સર્જકની કૃતિ સર્જકના બ્લોગ પર અને સર્જક સાથે સીધી વાત - આનાથી રૂડું બીજું શું હોય ? ખૂબ જ સુંદર રચનાઓ. સલામ છે આપને !

 
At 6/20/2006 10:51:00 AM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

વિવેક,


આભાર


હવે એકદમ ઑ.કે. છુ. તમારો બ્લોગ જોયા બાદ એવુ લાગે છે કે જે ઈચ્છા મારી છે....ભારતદર્શન કરવાની તે તમે તો already પરિપૂર્ણ કરી દીધેલ છે.


તમારા કાવ્યો સાથે તમારા પિક્ચર્સ જોવાની મજા જ કઈક અલગ છે.


સિદ્ધાર્થ

 

Post a Comment

<< Home