Saturday, October 07, 2006

નડતું રહ્યું

(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય... ... માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.


ડૉ. વિવેક મનહર ટેલર

9 Comments:

At 10/08/2006 06:35:00 AM, Anonymous Anonymous said...

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

- મઝાની વાત !

 
At 10/08/2006 01:15:00 PM, Anonymous Anonymous said...

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

very good words.... nice gazal!

 
At 10/08/2006 01:18:00 PM, Anonymous Anonymous said...

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

બાળક આવવાના સમાચારની ખુશી, એ જ આ 'ગળપણ' ને??!!!

 
At 10/09/2006 12:06:00 AM, Anonymous Anonymous said...

વિવેકભાઈ, વાંચ્યા પછી કશું બોલી શકાય એવી હાલત જ નથી રહી... સીધા જ ભૂતકાળ માં પહોંચી જવાયું.... અતિ સુંદર ગઝલ... અભિનંદન....

 
At 10/09/2006 02:17:00 AM, Anonymous Anonymous said...

Vivekbhai,

really wonderful, keep it up.

Dipankar Naik

 
At 10/09/2006 04:10:00 AM, Anonymous Anonymous said...

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું..

ખૂબ સરસ.જોકે આપની કઇ ગઝલના વખાણ કરવા એ ખબર નથી પડતી.હું પણ કાવ્યો લખુ છુ અને છપાય પણ છે.પરંતુ બધા અછાંદસ,છન્દમાં મારી ચાંચ ડૂબતી નથી.શીખવુ પડશે હવે ..તમારા જેવા ગુરૂ મળે તો...

 
At 10/09/2006 05:31:00 AM, Anonymous Anonymous said...

Excellent

 
At 10/09/2006 05:38:00 AM, Anonymous Anonymous said...

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

sundar vichar ane sundar abhivyakti!

 
At 10/10/2006 05:04:00 AM, Anonymous Anonymous said...

Very very touching ghazal.I do not have gujrati font thus can not write commnet in gujrati

 

Post a Comment

<< Home