Saturday, July 29, 2006

બે કાફિયાની ગઝલ

(સૌંદયનો અજગર-ભરડો.... કેરળ, ફેબ્રુ.-02)


અજંપો અજંપો અજંપો નર્યો,
સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.

અમે વેદનાઓનો કાવો કર્યો,
અને જિંદગીને એ પ્યાલો ધર્યો.

તને ઘાનું રૂઝવું શેં ગમતું નથી ?
શું પાછો જવાને તું પાછો ફર્યો ?

ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

શું છે ભેદ તારો, કહે જિંદગી -
હું મરવાને જીવું કે જીવતો મર્યો ?

તું દરિયો હતી કે હતી ઝાંઝવા ?
હું અવઢવમાં, ઈચ્છા ! ભવ આખો તર્યો.

પૂણી શ્વાસની પીંજી શબ્દો રચે,
અમે આયખાનો એ ચરખો કર્યો.


ડૉ. વિવેક મનહર ટેલર

કાવો=ઉકાળો, કાઢો

Wednesday, July 26, 2006

દિવાલ

(બાથટબમાં માછલી...... સ્વયમ્ ટેલર, મે-2006)


                                       પપ્પા !
                                       આજે
                                       તમે હાથ ફેરવો છો
                                       તો મને એવું કેમ લાગે છે કે
                                       એકની ઉપર એક
                                       ઈંટો ગોઠવાઈ રહી છે ?!
                                       મારી જ્ગ્યાએ આ શું ચણાઈ ગયું છે ?
                                       આજે કેમ આવું ?
                                       આજે કેમ
                                       તમે મને
                                       તમારી અને મમ્મીની વચ્ચે સુવડાવ્યો છે ?!


                                       ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, July 22, 2006

હોવાપણું – ૩

(Arise, awake & stop not......વિવેકાનંદ રોક,
કન્યાકુમારી - ફેબ્રુઆરી-2002)


હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશનાં અવકાશને માપી શકાય ?

આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

‘હું કોણ છું?’ આ પ્રશ્નમા અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

થઈ પ્રાણવાયુ શબ્દ જ્યા વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?


ડૉ. વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.

Wednesday, July 19, 2006

હોવાપણું – ૨


(બુદ્ધં શરણં ગચ્છામિ...... બૌદ્ધ સ્તુપ, સાંચી, M.P., નવે.-૦૫)

હોવાપણાંનો ભાર શું ત્યાગી શકાય ?
શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?

હોવાપણાંના ભ્રમથી શું જાગી શકાય ?
મારા વગર મુજથી અગર ભાગી શકાય...

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

જોવાપણું, ખોવાપણું, રોવાપણું-
હોવાપણાંની બ્હાર જો દાગી શકાય !

હોવાપણાંની બહારની વાતો કરો,
આ પ્રાણ શું છે ? કાંચળી ! ત્યાગી શકાય.

જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
...એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.


ડૉ. વિવેક મનહર ટેલર



'હોવાપણું' ગઝલશૃંખલાની ત્રણ ગઝલમાંની આ બીજી ગઝલ છે. ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રયોગ આ શૃંખલામાં સૌપ્રથમવાર કરી રહ્યો છું. આપનો અભિપ્રાય હંમેશની પેઠે આવકાર્ય છે.

Saturday, July 15, 2006

હોવાપણું - ૧


(12,000 વર્ષ જૂના ગુફાચિત્રો - ભીમબેટકા, મધ્ય પ્રદેશ : નવેમ્બર-05)


હોવાપણાંથી દૂર શું ભાગી શકાય?
અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?

સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય...

જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.

ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.

આ શ્વાસને શબ્દોની એરણ પર ટીપો,
ટક્શે કે તૂટે - પાર તો તાગી શકાય !

એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય...

ડૉ. વિવેક મનહર ટેલર


Wednesday, July 12, 2006

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

ડૉ.વિવેક મનહર ટેલર


આજથી આ બ્લૉગ ગઝલોનો બ્લૉગ ન બની રહેતાં મારા કાવ્યોનો બાગ બની રહેશે જ્યાં મારી ગઝલ, મુક્તક ઉપરાંત ગીત, અછાંદસ તથા હાઈકૂના વિવિધરંગી પુષ્પો અવારનવાર જોવા મળશે. ગીતોના છંદની બાબતમાં હજી હું બાળમંદિરમાં પ્રવેશ લેતો બાળક છું. આ ગીતના છંદમાં જે દોષ રહ્યાં છે એ બદલ અગાઉથી ક્ષમાયાચના. પ્રાસંગિક ગીત હોવાથી છંદસુધારણા સમય મળ્યેથી કરવાની ખાતરી પણ આપું છું. અને મુંબઈની પરાંની ટ્રેનોમાં સાત જુલાઈના રોજ થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોની પાર્શ્વભૂ પર રચાયેલા આ ગીતની સાથે કોઈ ફોટોગ્રાફ ન જ હોઈ શકે એ પણ સમજી શકાય છે...

Saturday, July 08, 2006

મુક્તક - આ ગઝલ


(ચિત્રાંકન : ડૉ. કલ્પન પટેલ, સુરત)


આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
                                       કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
                                       ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

ડૉ.વિવેક મનહર ટેલર


Wednesday, July 05, 2006

નાખુદા નથી

(સ્કુબા ડાઈવીંગ.... ....માલદીવ્સ-ફેબ્રુઆરી-2002)


ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.

ભીતર ભલે ને હો હવા, કાયા તો એ જ છે,
ફૂટીને જળમાં ના ભળે એ બુદબુદા નથી.

શ્વાસોના સઢ ફરક્યાં પવન શબ્દનો લઈ,
એના વિના આ હોડીનો કોનાખુદા નથી.

મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?
શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

ડૉ.વિવેક મનહર ટેલર


અર્બુદા=પર્વત (આબુ પર્વત)

Saturday, July 01, 2006

વરસાદ ક્યાંથી લાવું ?

(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે..... જહાજ મહેલ, માંડુ, નવેમ્બેર-2005)


આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઈચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?

તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?

વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?

ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠાં સુખનાં તો સ્વાદ ક્યાંથી લાવું?

ડૉ.વિવેક મનહર ટેલર


અવસાદ = અંત