મારી ગઝલો ગાંધીવાદી છે
પાંપણો વર્ષોથી શાને સ્થિરતાની આદી છે?
લાગણીની જેમ મારાં સપનાં શું તકલાદી છે?!
ભૂલના ખેતરમાં પાકો નિત સજાનાં ઊતરે,
એ કશું નીંદે ન, પ્રાયશ્ચિત્ત ઘણું મરજાદી છે.
દિલ હવે ક્યાંથી બચે? ફાંસી સજામાં નક્કી છે,
તું વકીલ અને તું જજ ને તું જ તો ફરિયાદી છે.
એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.
દુનિયાના મોજામાં ‘હું’ ને ‘તું’ થયા કાયમ ખુવાર,
રેત જે ભીની રહી એ આપણી આબાદી છે.
સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !
નામ ઇતિહાસે હશે કાલે જરૂર, આજે ખભે
સ્વપ્ન, સગપણ, શ્રદ્ધા – શી શી ગાંસડીઓ લાદી છે?!
શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
ડૉ. વિવેક મનહર ટેલર
4 Comments:
Beautiful:
શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
ના કશે પણ સ્થિર થશે એ જન્મ હો કે મૃત્યુ હો,
યુગ યુગાંતરથી સતત આ જીવ તો જેહાદી છે.
Dear Vivek,
It is really nice to see my brother blogging this way. Your gazals shows a total different personality (in the absence of right word).
Just amazing!!!!!!!!!!!!!
Mamta Tailor
ખુબ જ સુંદર.
શ્રી વિવેકભાઈને મારી રીડગુજરાતી.કોમ સાઈટની લીન્ક મૂકવા વિનંતી.
Post a Comment
<< Home