રણ ની તરસ હતી...
સૌ કાજ જે હવા છે, મારો શ્વાસ, બસ! હતી,
ઉચ્છવાસ થઈ જેમાં તું થતી એકરસ હતી.
મોસમ જીવન ને હોય છે, ઠૂંઠું છું હું, મને
એક જ ઋતુ પ્રતિક્ષાની આખું વરસ હતી..
પાડ્યો જરી ઘસરકો કે બસ! દુઃખ નીકળ્યું,
બાકી તો સૌની ચામડી કેવી સરસ હતી !
કાયમ રહી ભલે ને આ આંખો અરસ-પરસ,
ભીતર કદી ન ખૂટી એ રણ ની તરસ હતી.
જીત્યા ની છે તને તો દીધાની મને ખુશી,
ચોપાટની રમત, પ્રિયે! કેવી સરસ હતી !
એવું ય નહોતું અંત ની જાણ જ હતી નહીં,
હાવી જયેષ્ઠ કુરૂ ની મન પર ચડસ હતી.
ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.
લૂંટ્યો મને, સફળ થયાં લેવામાં પ્રાણ પણ,
પામ્યાં કદી ન શબ્દ જે, કોની જણસ હતી?
ડૉ. વિવેક મનહર ટેલર
3 Comments:
ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી
ઉમદા વાત !
ધવલ.
ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી
શબ્દ,
પ્રેમના વિષયના અનુશંધાનમાં જીવનની ઘણી અગત્યની વાત કરી દીધી.
- મીતેષ
રેલવું બસ એજ રસ છે
ને દિશા તો ફક્ત દસ છે.
Post a Comment
<< Home