Thursday, January 05, 2006

સઘળું બંધ

આપણો પૂરો થયો સંબંધ, ને લ્યો સઘળું બંધ,
શ્વાસ ભીતર રહી ગયાં બસ ચંદ, ને લ્યો સઘળું બંધ.

તું ગઈ ને દુનિયા મારી એવી ભારીખમ્મ થઈ,
શીર્ષધર નાં પણ નમી ગ્યાં સ્કંધ, ને લ્યો સઘળું બંધ.

હું કદી તુજ રાહ નાં કંટક હટાવું ના હવે,
ખાધા ના ખાવા ના મેં સોગંદ, ને લ્યો સઘળું બંધ.

મિત્રતાની ઢ્રૌપદીનાં ચીર ક્યાંથી કૃષ્ણ દે?
વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

જીતવાને એક ગઢ, સર સેંકડો કરવા કલમ,
જીદ્દ નો કેવો ઋણાંનુબંધ, ને લ્યો સઘળું બંધ.

અંતે પણ તેં ના કર્યાં આક્ષેપ, ના કારણ કહ્યાં,
ઝઘડાનો અવકાશ સાવ જ મંદ, ને લ્યો સઘળું બંધ.

આ ગઝલ ના શ્વાસ માં થી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

ડૉ. વિવેક મનહર ટેલર

1 Comments:

At 1/06/2006 02:52:00 PM, Blogger ધવલ said...

આ ગઝલ ના શ્વાસ માં થી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

સરસ. 'ને સધળું બંધ' નો નવીન પ્રયોગ સુંદર અસર જન્માવે છે.

- ધવલ.

 

Post a Comment

<< Home