Saturday, October 28, 2006

શાહમૃગ

(ઉડાન.. ...માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)


કેટલા મેઈલ આવ્યા...
કેટલા મેં વાંચ્યા... કેટલા ન વાંચ્યા...
પહેલાં તો મેં જવાબ આપવાનું બંધ કર્યું
ને પછી તો મેઈલ ખોલવાનું જ બંધ કર્યું
થાક્યો ત્યારે ઈનબોક્ષ ખોલવાનું પણ બંધ કર્યું
ને હવે તો નેટ પર બેસવાનું જ બંધ કરી દીધું...
પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી...
હવે
એ તો કોઈ મેઈલ ન્હોતી કે
ક્લિક્ કરવું નહીં, ખોલવું નહીં, વાંચવું નહીં
કે જવાબ ન આપવું શક્ય બની શકે !
મેં
મારી આંખો બંધ કરી દીધી.
એણે જોયું કે
મને અચાનક પાંખ ફૂટી રહી છે...
ડોક ઊગી રહી છે... પગ લાંબા-પાતળા બની રહ્યાં છે...
અને
મારું માથું
રેતીમાં ઊંડે...વધુ ઊંડે ખૂંપી રહ્યું છે...
-શાહમૃગની જેમ !
એ તરત જ પાછી વળી ગઈ.
હવે આ સરનામેથી કોઈ મેઈલ કદી નહીં આવે
એની એને ખાતરી થઈ ગઈ હતી !

ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, October 25, 2006

નવા વર્ષની હું કથા શું લખું ?

(દિપોત્સવી પર્વ.. ..ઑક્ટોબર,2006)

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે -
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, October 21, 2006

એક લીટીની રંગોળી...

(દિપાવલી...                                ઑક્ટોબર-2006)

હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,
                               આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;
કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,
                               હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?


સૌ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ... ગુજરાતી બ્લૉગજગતમાં દસ મહિના પહેલા જોડાયો ત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા બ્લૉગ અસ્તિત્વમાં હતા. આજે મારા બ્લૉગ પર આશરે ૬૨ ગુજરાતી વેબ-સાઈટ્સ, બ્લૉગ્સ અને ઈ-સામયિકોની સારણી ઉપલબ્ધ છે. કોઈ મિત્રના બ્લૉગનો ઉલ્લેખ રહી ગયો હોય તો મને જરૂરથી જાણ કરે...ગુજરાતી સાહિત્યના રંગોનો ગુલાલ વિશ્વભરમાં રેલાવતા રહેવાની આ એકલદોકલ ઝંખના આજે એક કારવાંના સ્વરૂપે મ્હોરી છે ત્યારે નવા વર્ષે એક જ લીટીની રંગોળી પૂરીશ:

"નવું વરસ, વીતે સહુનું સરસ !"


ડૉ.વિવેક મનહર ટેલર


Thursday, October 19, 2006

વિશ્વાસ ( આદ્યંતે* રદીફની ગઝલ )

(ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ... ... સુરત)

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ 'વિ' વિનાના શ્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે...ક
'વિશ્વાસ' નામ કોતરી શણગારતાં હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે ?

ડૉ. વિવેક મનહર ટેલર


(આદ્યંતે = બંને છેડે. કાફિયાવાળી પંક્તિમાં બંને છેડે રદીફ - એક છેડે 'વિશ્વાસ' અને બીજા છેડે 'હવે' - રાખીને વિચારની સ્વતંત્રતાને લગીર અવરોધીને ગઝલ લખવાનો એક નાનકડો પ્રયોગ અહીં કરી જોયો છે.)

Saturday, October 14, 2006

હવાના મોતી (મુક્તક)

(માલદીવ્સના દરિયાની ભીતરમાં...                   ... ફેબ્રુઆરી-02)


ભલેને લોક એને ભાગ જળનો માનવાના,
                      જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;
ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
                      એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

ડૉ.વિવેક મનહર ટેલર


Wednesday, October 11, 2006

ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)

(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા...         ...ઉજ્જૈન, નવેમ્બર-2005)

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.

તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?

મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.

નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, October 07, 2006

નડતું રહ્યું

(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય... ... માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.


ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, October 04, 2006

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે

(શહીદસ્મારક... ... જેસલમેર-2004)

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.

જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.

આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દ્રશ્ય થઈ મારે છવાવું છે હવે.

હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.

રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.

તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજે ઘમ્મરવલોણું છે હવે ?

હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.

શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?


ડૉ. વિવેક મનહર ટેલર