Wednesday, May 31, 2006

જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે...!

(માથેરાનની લાલ વાદીઓમાં - ટ્રાઈપોડની આંખે, જાન્યુઆરી-03)


તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!

જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે,
તું ભર સામાન રોજેરોજ, હું ખાલી કરું કાયમ.

સમય થઈ શૂળ ભોંકાયા જ કરશે શ્વાસમાં મારા,
ખબર જો હોત, આવી ભૂલ કરતે ના કદી હમદમ.

દુઃખોને નામ-સરનામાં, ધરમ જાતિ નથી હોતાં,
છે સરખાં આર્તનાદો, આંસુના પણ સ્વાદ ચોગરદમ.

કરી ભૂલો જીવનમાં મેં તો એનું તું જ છે કારણ,
ખુદા બક્ષે ન ખુદ માફી, બનાવે એને તું વ્હાલમ્ !

ગઝલમાં તું અને બસ તું જ ઝલકે, રાઝ એનો શો?
જીવનના હોઠ ચૂમવામાં નડે શબ્દોને શું નાનમ ?

-ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, May 27, 2006

એક ઘેરો રંગ છે મારી ભીતર


એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

ડૉ. વિવેક મનહર ટેલર

અડબંગ= મરજી મુજબ ચાલનારું, જક્કી, હઠીલું.
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
કાફિયા= ગઝલમાં 'રંગ', 'સત્સંગ', 'જંગ' જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને "કાફિયા' કહે છે.

Thursday, May 25, 2006

માનવ છું હું, ઈશ્વર નથી...

(પાયકારા ધોધ, નીલગિરી પર્વતમાળા-સપ્ટેમ્બર-2005)


માન્યું કહ્યું જે પણ તમે : માનવ છું હું, ઈશ્વર નથી,
પણ પ્રેમ મારો તોય મારી જેમ કંઈ નશ્વર નથી.

મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.

છે ભૂલ એકાદી, જીવન આખું હવે લજ્જિત છે આ,
ધબકાર હો કે શ્વાસ, શંકાથી કશુંયે પર નથી.

મરજી મુજબ વર્તી શકુ? ના-ના, સમય વસમો છે આ,
ઈચ્છાના જીવનમાં સ્વયંવર થાય એવું વર નથી.

એ પ્રેમનો જાદુ છે કે પ્રેમી તણા અહેસાસમાં,
એની પ્રિયાથી વિશ્વમાં કોઈ વધુ સુંદર નથી.

વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’

ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, May 20, 2006

મોસમ....

(ઉટી(ઉદગમંડલમ) : સપ્ટેમ્બર-05)


મોસમ બનીને પળમાં વીતી જવું તમારું,
પૂછો પછી ફૂલોને કે શું થયું તમારું ?

પીળી જીવનની ડાળે લીલાશ ફૂટી યાને
આવી જવું અચાનક મોસમ સમું તમારું.

મોસમ કહો તો શું છે ? આંખોના રૂપ નોખાં-
નમવું કે ઊઠવું કે વરસી જવું તમારું.

મારો મિજાજ એક જ છે બારમાસી કાયમ,
મોસમની પેઠે બદલે વર્તન ભલું તમારું.

મોસમનો મહેતાજીએ એવો હિસાબ માંડ્યો,
‘બે પળ અમારી લીધી, જીવન બધું તમારું’.

ફૂલોની લઈને મોસમ, બસ આવ્યાં એકવાર જ,
ચોર્યાસી લાખમાંથી એક આ થયું તમારું.

શ્વાસોના વૃક્ષ ઉપર શબ્દોનાં પર્ણ ફૂટ્યાં,
મોસમ ! આ પાણી થઈને વરસી જવું તમારું.


ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, May 17, 2006

શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં

(નવી સિવીલ હૉસ્પિટલ કેમ્પસ, સુરત..... મે-2006)


રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.


ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, May 13, 2006

બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે


(બાઝ બહાદુરનો મહેલ, માંડુ - નવેમ્બર-2005)


મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ !
છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે.

ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો એ,
સમજ્યો, આ દેહ શૂન્ય છે, ખેંચાણ સઘળું છે.

આગળ ખબર નથી અને પાછળ કશું નથી,
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે.

શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,
મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.

ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, May 06, 2006

આજની સપ્તપદી...




સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ...


ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, May 03, 2006

એવો પત્થર વિશ્વમાં મળશે નહીં

(સોમનાથ મહાદેવ, વેરાવળ: 1992)


રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

ડૉ.વિવેક મનહર ટેલર


છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.

Monday, May 01, 2006

આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર

શબ્દોના શ્વાસ ફેફસાંમાં ભરીને ઇન્ટરનેટ પર આદરેલી સફરને ચાર મહિના થયા. આ ચાર મહિનામાં 32 કૃતિઓના રસ્તે ચાલીને હું આપ સૌને મળતો રહ્યો છું અને હજીયે મળતો જ રહીશ. આપના અસીમ પ્રેમ વિના આ સફર શક્ય નથી. Indianbloggers.com પર આજે આ બ્લોગ સતત 5 થી 10 ક્રમાંક વચ્ચે ટકીને અન્ય ભારતીય ભાષા સામે ઝીંક ઝીલી રહ્યો છે એ શું આપના પ્યાર વિના શક્ય હતું? બ્લોગમાં મળતા ખટમીઠાં પ્રતિભાવો ઉપરાંત ઘણા બધા વાંચકો પ્રતિભાવો સીધા ઈ-મેઈલમાં જ મોકલાવે છે. માત્ર ચાર મહિનામાં ઘણા બધા ઘનિષ્ઠ મિત્રો પણ મને અહીંથી જ મળ્યાં.

પણ આજે ગઝલ સિવાયની વાત કરવા પ્રેરાયો છું તો એનું એક કારણ છે. ઘણીવાર મિત્રોના પ્રતિભાવ વાંચ્યા પછી પ્રત્યુત્તર આપવાની ઈચ્છા થઈ આવે છે પણ પછી ચૂપ રહેવાનું જ બહુધા પસંદ કરું છું. પણ હમણાં સુરેશભાઈ જાનીના એકસામટા ચાર-પાંચ પ્રતિભાવો વાંચીને થયું કે સમયાંતરે પ્રત્યુત્તર નહીં આપીને મારા મિત્રોને હું અન્યાય કરી રહ્યો છું. આ પૉસ્ટના કૉમેન્ટ વિભાગમાં સુરેશભાઈની વાતો નો મેં જવાબ આપ્યો છે. મારા કવિકર્મ પર ચોક્કસ અને ચાંપતી નજર રાખી મને માર્ગથી ભટકવા ન દેવામાં મદદ કરનાર મિત્રોનું ઋણ હું આ જન્મે તો ફેડી રહ્યો!!!