સનમ! તુજ ને કહું હું બેવફા
સનમ! તુજ ને કહું હું બેવફા, હિંમત નથી મારી,
હજી લગ ક્યાં મને પણ છે ભરોસો જાત પર મારી.
હતું એજ લાગનું, મુજ ઊર્મિનું છો ઘાસ કચડાયું,
હતી ક્યારે ખડકને ચીરવાની એની તૈયારી ?
આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?
રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,
ફકત ઈતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી.
હવે બુલબુલની દેખી રાહ એ રડતી નથી રહેતી,
પડી રહે છે, ગીતોની માંગ પણ કરતી નથી બારી.
કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !
ડૉ. વિવેક મનહર ટેલર
1 Comments:
ખુબજ સુંદર રચના છે.અમારી મેર જ્ઞાતિની ભાષામાં કહુ તો "આતા હેવ તારા દુખણા લઉ બે'ય હાથથી"
અમારામાં કોઈ ઘરે આવે કે આંનદ માં સામ સામા દુખણા બેઉ હાથથી માથા ઉપર મૂકીને લઈ છે.
Post a Comment
<< Home