બીજું કંઈ નથી અમે
આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.
દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.
સુધરી ગયાં તો પણ સદા દુનિયાની દ્રષ્ટિમાં,
ચોર જ હતાં ને એજ હશું હર ઘડી અમે.
મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.
જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દોને ફાંસી કરી અમે.
અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.
અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.
મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.
લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.
ડૉ. વિવેક મનહર ટેલર
1 Comments:
અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.
kya baat hai....!!!
Post a Comment
<< Home