Saturday, March 25, 2006

નાંખી દે મૂળ માંહ્યમાં

વટવૃક્ષ જેમ આપણું વિસ્તરતું રહેશે વ્હાલ,
નાંખી દે મૂળ માંહ્યમાં, વડવાઈ થઈને ચાલ.

મડદાંના ચિત્તે વ્યાપ્ત આ શાંતિ ખપે નહીં,
બાળે છતાંય રાખે છે જીવંત આ મલાલ.

અવિભાજ્યતા એ પ્યારની તારી શરત પ્રથમ,
અહીંયા નિયમ છે ગમતાંનો કરતાં રહો ગુલાલ.

પાછી કશીક વાત થઈ ગઈ હશે જરૂર,
પાછી ચણાઈ ગઈ છે આ વચ્ચે ફરી દિવાલ.

મચકોડજો આ મોં પછી દેખી મને મૂંગો,
પહેલાં મને એ તો કહો કે શું હતો સવાલ ?

તારા વિરહમાં મૂઢ થવું લાગ્યું કૈંક કામ,,
સૂંઘીને મૃત્યુ પાછું ગયું, બક્ષ્યો બાલ-બાલ.

તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ,
એ રીતે જડશે મારી કથા, મારી ચાલ-ઢાલ.

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.


ડૉ. વિવેક મનહર ટેલર

2 Comments:

At 3/29/2006 05:42:00 AM, Anonymous Anonymous said...

સ્નેહી શ્રી વિવેક ભાઈ,

આપનો સ્વયં સર્જક છો. આપની માટે તો શું કહેવું ? અમે તો આપના જેવા સર્જકની છાયામાં મબલખ મસ્તી માણીએ છીએ. આપની દરેક કૃતિઓ અદ્દભુત છે. હું પ્રશંસા કે પ્રતિપ્રશંસા રૂપે નથી કહેતો પણ 'શબ્દો છે શ્વાસ મારાં' એ ભાવનાની કેટલી બધી ઊંચાઈએ લખાયેલી આ વાત છે. આપે રચેલી આપની સૌથી હૃદયસ્પર્શી કૃતિનો કોઈ વાર રીડગુજરાતીને લાભ આપવા વિનંતી.

આપ રીડગુજરાતીને રોજ વાંચો છો એ તો મારા માટે અત્યંત આનંદ અને ગૌરવ લેવા જેવી વાત ગણાય. ભલે આપ પ્રતિભાવ આપો કે ન આપો, આપનો અહોભાવ જ મારા માટે બસ છે.

શુભેચ્છા સહ,
મૃગેશ શાહ, વડોદરા.

 
At 4/07/2006 07:19:00 PM, Blogger SUVAAS said...

સરસ ભાઇ સરસ , શબ્‍દોનો આશ્વાસ માણવા મળ્યો , આપ તરફથી અમને આી વાનગી પીરસાતી જ રહેશે એવી આશા...
લી ફરીદ ..
www.suvaas.blogspot.com

 

Post a Comment

<< Home