Thursday, March 30, 2006

હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.


ડૉ. વિવેક મનહર ટેલર

3 Comments:

At 3/31/2006 07:24:00 AM, Anonymous Anonymous said...

વાહ વિવેકભાઇ,

ખુબ જ સરસ ગઝલ લખેલી છે. અને જો હુ આ ગઝલમાંથી મને ગમતી પંક્તિઓ ટાંકવા બેસુ તો આખી ને આખી ગઝલ જ મારે અહીં લખવી પડે.

 
At 3/31/2006 08:11:00 AM, Blogger ધવલ said...

ખૂબ જ સરસ...

 
At 6/25/2006 12:33:00 PM, Blogger Jayshree said...

You are simply Superb...!!

 

Post a Comment

<< Home