Thursday, January 05, 2006

હાથમાં રણ આવશે

ચાલવા ઈચ્છો તો વચમાં પગમાં આંટણ આવશે,
ને હશે કંઠે તરસ તો હાથમાં રણ આવશે.

આ નગરમાં ચોતરફ બસ, એવું ચાલે છે ચલણ,
ભેટવા જાશો તો હડસેલા નાં સગપણ આવશે.

બંધ મિલ ની આંખ્યુંમાં એક ધુમ્રરેખા તગતગે,
આવશે, ક્યારેક પાછાં ગાય નાં ધણ આવશે.

સૃષ્ટિ માં છે દ્રષ્ટિ સૌની એવી કે નજરો મહીં,
હો ભલે અખિલમ મધુરમ, ખોડ-ખાંપણ આવશે.

એક ઈચ્છા તો ય દિલ ની અશ્મિભૂત થાતી નથી,
કો’ક હૈયે કો’ક દિ’ મારાં સ્મરણ પણ આવશે.

નેજવું થઈ બારસાખી આંખ પર જીવે રવેશ,
ભાગ્યમાં શું આ ચરણ નાં એવા આંગણ આવશે?

છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.


ડૉ. વિવેક મનહર ટેલર

3 Comments:

At 1/06/2006 02:54:00 PM, Blogger ધવલ said...

છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.

વજનદાર વાત ! સરસ.

-ધવલ.

 
At 9/30/2006 08:52:00 PM, Anonymous Anonymous said...

પ્રિય વિવેક,

અભિનંદન તને જરૂર મળે આ કવિતા 'કવિતા'માં છપાઇ માટે ને તારા સપનાની શરૂઆત થઇ માટે પણ એથી અધિક સત્ય એ જ છે કે આપણી ભાષાને તું મળ્યો છે.
મારા વિચારે તો આ ગજલ કોલેજના સ્તરે પાઠ્ય પુસ્તકમાં ભણવામાં મૂકાવા જેવી છે. આ રચનાનો વિચાર વિસ્તાર ઉત્તમ છે.

મીના

 
At 10/22/2006 12:09:00 AM, Anonymous Anonymous said...

આ નગરમાં ચોતરફ બસ, એવું ચાલે છે ચલણ,
ભેટવા જાશો તો હડસેલા નાં સગપણ આવશે.

બંધ મિલ ની આંખ્યુંમાં એક ધુમ્રરેખા તગતગે,
આવશે, ક્યારેક પાછાં ગાય નાં ધણ આવશે.

છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
good thinking,amaging philosophy Sir...puri gazal sundar chhe...chata aa taran sher vadhu sprashi gaya.

 

Post a Comment

<< Home