Saturday, April 29, 2006

ચાલો ને મળીએ

(ધુંઆધારના ધોધ, જબલપુર પાસેથી વહી રહ્યાં છે શબ્દ...નવે.'૦૪)


ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં

સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.

અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, April 26, 2006

યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

(એક મનભાવન શામ, તીથલ: જાન્યુઆરી-૨૦૦૪)


ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?

વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.


ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, April 22, 2006

વૃક્ષ

(માંડુ, મધ્ય પ્રદેશ, 2005)


વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.


ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, April 19, 2006

બસ, બે ઘડી મળી...



ગોવા, મે-2004


બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.

મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.



ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, April 15, 2006

એક સૂકાયેલાં રણની વાત છે

મરૂભૂમિ, જેસલમેર-2004


એક સૂકાયેલાં રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.

ઝૂલ્ફના ચિત્તા સમા ગર્જન થકી,
દિલના થીજી ગ્યાં હરણની વાત છે.

મસ્ત નેણાં ના નકારે પાશ થઈ,
બાંધી દીધેલાં ચરણની વાત છે.

‘પણ’ કહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.

આંસુંના સિક્કા,ગમોની નોટ છે,
પ્યારના નવલાં ચલણની વાત છે.

શબ્દનું ડગ એક ને મંજિલ આ લ્યો !
હોઠ ત્યાં થઈ ગ્યાં કળણની વાત છે.


ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, April 12, 2006

ખુશી




જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.


ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, April 08, 2006

સનમ! તુજ ને કહું હું બેવફા


સનમ! તુજ ને કહું હું બેવફા, હિંમત નથી મારી,
હજી લગ ક્યાં મને પણ છે ભરોસો જાત પર મારી.

હતું એજ લાગનું, મુજ ઊર્મિનું છો ઘાસ કચડાયું,
હતી ક્યારે ખડકને ચીરવાની એની તૈયારી ?

આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?

રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,
ફકત ઈતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી.

હવે બુલબુલની દેખી રાહ એ રડતી નથી રહેતી,
પડી રહે છે, ગીતોની માંગ પણ કરતી નથી બારી.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !


ડૉ. વિવેક મનહર ટેલર

Tuesday, April 04, 2006

ફાવી નથી શકતાં


અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતાં,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતાં

ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયાં,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતાં

લખે જો વાનરો તો ઠીક છે, બાકી શિલાઓને
લખીને રામ પોતે ‘રામ’ કંઈ તારી નથી શકતાં

નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતાં


ડૉ.વિવેક મનહર ટેલર