Saturday, December 31, 2005

ચાંદની


ખીલી ને સોળે કળા એ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાનું કરી તુજને અડે છે ચાંદની.

વગડામાં નક્કી તું થઈ ને વાટ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંઢ્રનાં અરમાન વેરાયાં હશે શું સૃષ્ટિ માં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણી ની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’ થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસ માં મુજ તેજ નો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દ ને મારાં અડે છે ચાંદની.

ડૉ. વિવેક મનહર ટેલર

Thursday, December 29, 2005

રેતી

મરમ જિંદગી નો કહી જાય રેતી,
ચરણરજ બની, સરમુકુટ થાય રેતી.

સતત ઝાલવું, જિદ્દ એ કોને ફળી છે?
સતત હાથ માંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.

ગયાં તારા સ્પર્શ ના ઊંટો પછી થી,
હથેળી થી દિલ માં ગરી જાય રેતી.

પ્રણય ની વિમાસણ, છે કહેવું ઘણું પણ,
તું સામે હો, પગ થી સરી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
આ ઘડિયાળ માં બસ, સર્યે જાય રેતી.


ડૉ. વિવેક મનહર ટેલર

મને આ સફર મળે

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.


ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, December 28, 2005

મળતી રહે














શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં મોતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો....
અંક માં રાખી મને વહતી રહે.

ડૉ. વિવેક મનહર ટેલર (એમ.ડી. મેડિસીન)
સુરત (ગુજરાત)