Saturday, November 04, 2006

આ ક્ષણે

(બેનરઘટ્ટા.... ....બેંગ્લોર, ઓક્ટો-2004)


શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે,
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે.

કાંઠાઓ વિસ્તારવાની આ ક્ષણે,
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.

જીત કેવળ જીત એની હોય છે,
હારને સ્વીકારવાની આ ક્ષણે.

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

ડૉ. વિવેક મનહર ટેલર

12 Comments:

At 11/05/2006 08:28:00 AM, Anonymous Anonymous said...

હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.

- પ્રેમની સરસ વ્યાખ્યા !

 
At 11/05/2006 09:20:00 AM, Blogger Jayshree said...

જ્યારે આ ગઝલ વાંચવાની શરૂઆત કરી, તો એમ લાગ્યું કે આ જરા અઘરું લાગે છે. પરંતુ એક પછી એક શેર વાંચતા વાંચતા જણાયું કે એકદમ સરળ ભાષામાં ખૂબ સુંદર રજુઆત છે.

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

 
At 11/05/2006 06:46:00 PM, Anonymous Anonymous said...

પ્રિય વિવેક,

હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

આ પંક્તિઓ મને સૌથી વધુ ગમી...

પરંતુ એક મુંઝવણ ઊભી થઇ છે...!
પ્રથમ બે શેરો મારી સમજમાં જરા અધૂરા જેવા લાગ્યાં... તમે જે કહેવા માંગો છો તે વાત મને જાણે અધુરી લાગી... વાંચીને મનમાં સવાલ થયો કે 'આ ક્ષણે' શું?? કે પછી મને જ પૂરી સમજ ના પડી કે શું કહેવા માંગો છો... ??????

કોઇક નજીકની ક્ષણે, મનનું સમાધાન જરૂરથી કરશો.

 
At 11/06/2006 05:26:00 AM, Anonymous Anonymous said...

સુંદર ગઝલ વિવેકભાઈ,
આપનાં શેરનાં અનુશંધાનમાં થોડાં શેર......

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

** સૌ અમન ની વાત તો કરતાં હતાં,
તે છતાં પંખી મર્યું, સોચો જરા....
******************************

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.
****
તું ગઈ, બસ એ શ્રણે, ફૂટી હતી, સંવેદના!
કાગળો પર લાલ સ્યાહી, એ પછી, ખૂટી નથી...

**************************
ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.
*** હર શ્રણે, જીવી ગયો છું, આયખું
તે છતાં કાં જીવવા, ચેતન મથે ? .....
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 11/06/2006 07:17:00 AM, Blogger VJ said...

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

મને આ વાંચતા મને સ્ફુર્યુ....

કોઇ કાયમ ક્યારેય જતુ નથી.
હા શક્ય છે કે તે ભુલાઇ જાય

પ્રસંગોપાત પાછા ક્યારેક તે સૌ
ઊગે ક્દીક હાસ્ય,કદીક આંસુ રુપે

 
At 11/06/2006 09:51:00 AM, Blogger Bharat said...

aailgana = આિલંંંંંગન
Il PAR ANUSVAR KEM KARVO TE SMAJAATU NATHI.

 
At 11/07/2006 11:22:00 AM, Anonymous Anonymous said...

Vaagh no photo muki bakri jevi vaat kem karo cho?

"Huuj mara ma khulto janav,
matra tuj ne chahva ni aa kshane"very good lines....

 
At 11/09/2006 11:04:00 PM, Blogger વિવેક said...

શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે,
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે.

- ગઝલના આ મત્લામાં કવિજીવનની સાર્થકતા શી છે એ જ બતાવવાની કોશિશ કરી છે. જન્મથી મૃત્યુ પર્યંત અવિરત ચાલુ રહેતી શ્વાસોચ્છવાસની ક્રિયામાં કેટલા શ્વાસ હશે જે સાર્થક થતા હશે? કવિ માટે તો જે શ્વાસ અક્ષર બનીને કાગળ ઉપર અવતરે એ જ ઘટમાં-માંહ્યમાં દીવા પ્રગટવાની ક્ષણ... એ જ ક્ષણ કવિની દિવાળી...


કાંઠાઓ વિસ્તારવાની આ ક્ષણે,
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે.

બીજા શેરમાં પોતાની જાતને વિસ્તારવાની વાત કાંઠાના પ્રતીક વડે કરવાની કોશિશ કરી છે. નદીના કાંઠાઓ પહોળા થતા નથી, આપણી અનુભતિઓને વિશાળ બનાવવાની જરૂરી હોય છે. જે ક્ષણે આપણે વ્હેણમાં ડૂબી જવાની તૈયારી કરીએ છીએ એ જ ક્ષણ આપણા વિસ્તરણની ક્ષણ હોય છે.... કાંઠા પર બેસી રહેનારને વિશાળતાનું વરદાન નથી મળતું...


-મને આશા છે, આ બંને શેર હું યથાશક્તિ સમજાવી શક્યો હોઈશ, ખરું ને ઊર્મિ?


અને પ્રિય ભરતભાઈ,

અનુસ્વાર લખવા માટે "Shift^" વાપરશો...

 
At 11/10/2006 07:03:00 AM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

વિવેક,


તમારી ગઝલતો કાબિલેદાદ છે, પણ સાથે સાથે ચેતનભાઈએ પણ સરસ શરૂઆત કરી છે. સુંદર સર્જકોને નેટ પર મળવાનો આનંદ જ કઈક ઓર છે.


સિદ્ધાર્થ

 
At 11/10/2006 10:44:00 AM, Anonymous Anonymous said...

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

સુંદર...

 
At 11/26/2006 05:26:00 AM, Anonymous Anonymous said...

this is the best i have evr had

 
At 5/06/2010 03:57:00 AM, Blogger kavita said...

ઊર્મિને સમજાવેલા બંને શેર ની સમજ ગમી.
જીવનમાં રુમઝુમ કરતી જે ક્ષણ આવે તેને અજવાળીએ એજ સાફલ્ય! એમાં પણ એનું અક્ષરદેહે અવતરવું!!! અદભુત! ......ને કોઈમાં વિલીન થવું, તદ્રુપ..એ પણ વિસ્તરવું હોય શકેને! ગમ્યું.

 

Post a Comment

<< Home