(પ્રણયચિત્રો... ...ખજૂરાહો, 2004)
એક વેશ્યાની ગઝલ... હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે... પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે...ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે...! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો... ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે... જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.
વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.
સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, "તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી". અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)
રામાયણને પડતું મૂકો... આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે... 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?
ખજૂરાહોને લો... શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.
મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ 'કામસૂત્ર'ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે.... આ છે આપણી સાચી સભ્યતા...
આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે...
કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની 'ખોલ દો' હોય કે ચંદ્રકાંત બક્ષીની 'કુત્તી' હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, 'સ્તનપૂર્વક'. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે...
અને અંતે 'જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે' એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે... આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે....
...અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.