Friday, December 01, 2006

ખીલી છે મૌનની મોસમ

(કિલ્લાની રાંગ પરથી, સુવર્ણનગરી-જેસલમેર, 2004)

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

ડૉ.વિવેક મનહર ટેલર


આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી...ધા 13 ડિસેમ્બરે...મળતા રહીશું, શબ્દોના રસ્તે!

7 Comments:

At 12/04/2006 08:10:00 AM, Anonymous Anonymous said...

ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

sooooo true...!!

 
At 12/04/2006 08:11:00 AM, Anonymous Anonymous said...

'રાંગ' એટલે ટોચ જ ને?

 
At 12/05/2006 12:23:00 AM, Anonymous Anonymous said...

પહેલો શેર સૌથી વધુ ગમ્યો..

પણ મને આ શેર ના સમજાયો

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

 
At 12/05/2006 03:38:00 AM, Anonymous Anonymous said...

સુંદર ગઝલ....


હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

મારી સમજ પ્રમાણે વિવેકભાઈ એ આ શેર ઈંટરનેટની દુનિયા વિશે લખ્યો છે.

આપ એક ચોરસ ઓરડામાં બેસી આખી દુનિયા જોઈ શકો છો,
કમ્પ્યુટરની ચોરસ સ્ક્રીન પર ફૂલો ,આભ બધુંજ સુંદર દેખાય છે પણ ચોરસ માળખામાં કેદ !

જેમ કે એક અતિ મનોરમ્ય પેઈનટીંગ માં સુંદર મનમોહક ફૂલોના બાગ નું દ્રશ્ય હો, સુર્યોદયનું સોનેરી આકાશ હો એ બધું સુંદર છે ,પણ ફોટો-ફ્રેમની ચાર દિવાલોમાં કેદ છે- બધું જ જડ છે ,જાણે સુંદર ફૂલો તો છે પણ ખૂશ્બુ નથી જાણે પ્લાસ્ટિકનાં ફૂલ હો.
એમજ આપણે પણ જીંદગીમાં કૃત્રીમ લાગણી વગરની પ્લાસ્ટિકની સ્માઈલ પહેરી ને ફરીયે છીએ.


જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

 
At 12/11/2006 11:58:00 PM, Anonymous Anonymous said...

મિત્ર વિવેક,


મૌનની વાત માંડીને ઘણું બધું કહી ગયો છે તું...

મીના

 
At 12/14/2006 06:53:00 AM, Anonymous Anonymous said...

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

વાહ !!!

 
At 12/15/2006 08:08:00 AM, Anonymous Anonymous said...

મૌનની મોસમ સાથે ખીલી છે શબ્દોની મોસમ

 

Post a Comment

<< Home