Wednesday, December 27, 2006

મારા શબ્દોનું હવે નવું સરનામું, નવું સ્વરૂપ...

પ્રિય મિત્રો,

શબ્દોના શ્વાસ લઈને આપ સૌને મળવાનું શરૂ કર્યું ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન્હોતો કે આટલો બધો પ્રેમ મને અહીંથી સાંપડશે... આપના આ પ્રેમ બદલ હું સદૈવ આપ સૌનો ઋણી રહીશ. બ્લોગસ્પૉટ.કોમ પર ઓછી સવલતો અને ઝાઝી તકલીફો વર્તાતા નવા યુઝર-ફ્રેન્ડલી વર્ડપ્રેસ.કોમ પર આ બ્લોગ કાયમી ધોરણે ટ્રાન્સફર કરી રહ્યો છું એટલે આ જૂનો બ્લૉગ કાયમ માટે બંધ કરી રહ્યો છું. મારા શબ્દોનું નવું સરનામું ટૂંકુ અને ખાસ્સુ સરળ પણ છે.

આપનો મબલખ પ્રેમ લઈને મને મળવા હવેથી આ સરનામે આવજો:

www.vmtailor.com


"શબ્દો છે શ્વાસ મારા"ના નવા સંસ્કરણને માણવા અહીં ક્લિક્ કરો:

મળતા રહીશું, શબ્દોના રસ્તે....

આપનો જ,

વિવેક.

Saturday, December 23, 2006

આ દુઃખ એ જ મારો સહજભાવ છે

(સામા કિનારે... ...જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

આ દુઃખ એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે.

અમે કાંઈ સામું કહી ના શક્યાં,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

જીવનના પલાખાં ન શીખ્યાં કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દિ’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, December 20, 2006

સદા તત્પર

(મને પાનખરની બીક ના બતાવો... ...રણથંભોર, 03/12/2006)

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.


ડૉ. વિવેક મનહર ટેલર


ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)

Saturday, December 16, 2006

કદી વાંસળી આ બરાબર ન વાગી

(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત... ...રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, December 13, 2006

ક્ષણના મહેલમાં

(ક્ષણોના મ્હેલમાંથી... ...રણથંભોર, 03/12/2006)

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું...
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ'તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

ડૉ.વિવેક મનહર ટેલર

Friday, December 01, 2006

ખીલી છે મૌનની મોસમ

(કિલ્લાની રાંગ પરથી, સુવર્ણનગરી-જેસલમેર, 2004)

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

ડૉ.વિવેક મનહર ટેલર


આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી...ધા 13 ડિસેમ્બરે...મળતા રહીશું, શબ્દોના રસ્તે!