Thursday, March 30, 2006

હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.


ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, March 25, 2006

નાંખી દે મૂળ માંહ્યમાં

વટવૃક્ષ જેમ આપણું વિસ્તરતું રહેશે વ્હાલ,
નાંખી દે મૂળ માંહ્યમાં, વડવાઈ થઈને ચાલ.

મડદાંના ચિત્તે વ્યાપ્ત આ શાંતિ ખપે નહીં,
બાળે છતાંય રાખે છે જીવંત આ મલાલ.

અવિભાજ્યતા એ પ્યારની તારી શરત પ્રથમ,
અહીંયા નિયમ છે ગમતાંનો કરતાં રહો ગુલાલ.

પાછી કશીક વાત થઈ ગઈ હશે જરૂર,
પાછી ચણાઈ ગઈ છે આ વચ્ચે ફરી દિવાલ.

મચકોડજો આ મોં પછી દેખી મને મૂંગો,
પહેલાં મને એ તો કહો કે શું હતો સવાલ ?

તારા વિરહમાં મૂઢ થવું લાગ્યું કૈંક કામ,,
સૂંઘીને મૃત્યુ પાછું ગયું, બક્ષ્યો બાલ-બાલ.

તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ,
એ રીતે જડશે મારી કથા, મારી ચાલ-ઢાલ.

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.


ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, March 15, 2006

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.


ડૉ. વિવેક મનહર ટેલર

Sunday, March 12, 2006

એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી

એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.

ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.

‘હા’ ભલે પાડી ન, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.

રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.

સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
આશની સાડીમાં લાગી તોઈ નથી હજી.

ભાવના ! શ્વસે છે વર્ષોથી કેમ આ સમય ?
લાગે છે એણે તને જ જોઈ નથી હજી.


(તોઈ = કસબની કિનારી, ગૂંથેલો છેડો)


ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, March 08, 2006

લાગણી મારી સતત રણભેર છે

લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.

એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.

આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?

હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.


ડૉ. વિવેક મનહર ટેલર

Saturday, March 04, 2006

મુક્તક

લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
                      આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
                      હું તને પામું મને ભૂલ્યા પછી !


ડૉ.વિવેક મનહર ટેલર